2021 ની સરખામણીએ ચોંકાવનારો ઘટાડો, શહેરમાં 2.38 લાખ મતદારો અને 164 મતદાન મથકો ઘટ્યા
(પ્રતિનિધિ), વડોદરા. તા.23
વડોદરા :- રાજ્ય ચૂંટણી આયોગના આદેશ બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શહેરના 19 વોર્ડની મતદારયાદી આજે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી યાદીમાં વડોદરા શહેરના કુલ 12.08 લાખ મતદારો નોંધાયા છે. જોકે, આંકડાકીય દ્રષ્ટિએ સૌથી મોટો ફેરફાર એ જોવા મળ્યો છે કે વર્ષ 2021ની સરખામણીએ આ વખતે મતદારોની સંખ્યામાં 2.38 લાખનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ મતદારો : 12,08,021, પુરુષ મતદારો : 6,12,825, મહિલા મતદારો : 5,95,099, અન્ય (થર્ડ જેન્ડર) : 97, સર્વિસ મતદાર : 400, કમી થયેલ મતદારો : 10,099 (જેમના નામ યાદીમાંથી દૂર કરાયા છે). વર્ષ 2021ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. 2021માં મતદાન મથકો (બુથ) ની સંખ્યા વધુ હતી, જેમાં આ વખતે 164 બુથનો ઘટાડો થતા હવે કુલ 1131 બુથ નક્કી કરાયા છે. સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે 2021ની સાપેક્ષમાં 2,38,191 મતદારોનો ઘટાડો થયો છે, જે મતદાર યાદીના શુદ્ધિકરણ અથવા સીમાંકનને આભારી હોઈ શકે છે. મહાનગરપાલિકા દ્વારા આ યાદી જાહેર સ્થળોએ પ્રસિદ્ધ કરવામાં આવી છે. નાગરિકો તા. 23-03-2026 થી નીચેના સ્થળોએ જઈને પોતાનું નામ ચેક કરી શકે છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી (ઇલેક્શન શાખા), તમામ 19 વહીવટી વોર્ડની કચેરીઓ, કલેક્ટર કચેરી, વડોદરા અને મ્યુનિસિપલ સેક્રેટરી શાખા (ખંડેરાવ માર્કેટ). તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ નાગરિકનું નામ જે-તે વિધાનસભા મતદાર વિભાગની યાદીમાં હોય, પરંતુ મહાનગરપાલિકાની આ નવી યાદીમાં સમાવવાનું રહી ગયું હોય, તો તેઓ ત્વરિત સુધારો કરાવી શકે છે. આ માટે જરૂરી પુરાવાઓ સાથે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગના પ્રથમ માળે, રૂમ નં. 127 (ઇલેક્શન શાખા) ખાતે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949ની કલમ-8 અને 1994ના મ્યુનિસિપલ કોર્પોરેશન (મતદાર નોંધણી) નિયમો હેઠળ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત પૂર્વેની આ સૌથી મહત્વની પ્રક્રિયા હોવાથી રાજકીય પક્ષોમાં પણ સળવળાટ શરૂ થઈ ગયો છે.