રહેણાંક મિલકતધારકોને 10% અને કોમર્શિયલ મિલકતધારકોને 5% વળતર, ઓનલાઈન ચુકવણી પર વધારાના 1%ની રિબેટ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક રીતે રજૂ થતી એડવાન્સ વેરા વળતર યોજના આ વર્ષે પણ અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ 2025-26 માટેની આ યોજના અંતર્ગત રહેણાંક અને બિન રહેણાંક મિલકત ધરાવતા કરદાતાઓ એડવાન્સમાં મિલકત વેરો ચૂકવે છે તો તેમને પ્રોત્સાહનરૂપ રિબેટ આપવામાં આવશે. ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત રજુ કરી મંજુર કરવામાં આવી છે. યોજનાનું મુખ્ય લક્ષ્ય એડવાન્સમાં વેરા વસૂલી વધારવી અને કરદાતાઓને સમયસર ચુકવણી માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ યોજના અંતર્ગત રહેણાંક મિલકતો પર 10%, બિન રહેણાંક મિલકતો પર 5% રિબેટ આપવામાં આવશે. સાથે જ, જો વેરાની ચુકવણી ઓનલાઈન કરવામાં આવે તો વધારાના 1% રિબેટનો પણ લાભ મળશે. આ યોજના હેઠળ વિતેલા વર્ષે સરેરાશ 8.40 હજાર કરદાતાઓએ લાભ લીધો હતો અને ચાલુ વર્ષ માટે 807 કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વેરાના રકમમાં રિબેટ ફક્ત સામાન્ય કર, પાણીકર, કન્ઝર્વન્સી અને સ્યુઅરેજ કર પર લાગુ પડશે. જ્યારે શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જ પર રિબેટ મળવાપાત્ર રહેશે નહીં.
કરદાતાઓએ આ યોજનાની જાહેર નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી એક માસની અંદર તેમના ચાલુ વર્ષ 2025-26ના મિલકત વેરા સહિત પૂર્વ વર્ષોની બાકી રકમની ચુકવણી કરવાની રહેશે. આ મહત્વની દરખાસ્તને હવે સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ યોજનાના અમલથી મહાનગરપાલિકા અને કરદાતાઓ બંનેને લાભ થવાનો અહેવાલ છે.
