આવકના લક્ષ્યાંકને પુરા કરવા માટે કડક કાર્યવાહી સાથે નાગરિકોને પ્રોત્સાહન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)એ મિલકત વેરાની વસુલાતને ગતિ આપવા માટે પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ સમિતિએ આ યોજનાને મંજુરી આપી છે અને આ યોજના 21 જાન્યુઆરીથી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે. આ યોજના હેઠળ બાકી વેરો ચૂકવતા નાગરિકોને વ્યાજ અને નોટિસ-વોરંટ ફી જેવા વિવિધ ચાર્જમાં રાહત આપવામાં આવશે.
વર્ષ 2024-25 માટે કોર્પોરેશનનું કુલ આવક લક્ષ્યાંક 721 કરોડ છે, જેમાંથી અત્યાર સુધીમાં 382 કરોડની વસુલાત થઈ ચૂકી છે. બાકી રહેલા વેરાની વસુલાત માટે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, કેટલીક મિલકતોના લિક્વિડેશન, કોર્ટ કેસ, અને રેવન્યુ ક્લેમ જેવા કારણે ટેક્સ વસૂલવામાં સમસ્યાઓ ઊભી થઈ છે.
યોજનાના લાભો
100% વ્યાજ વળતર : ભાડા આકારણી પદ્ધતિ હેઠળ 2024-25 સુધીના તમામ બાકી વેરા ભરનાર નાગરિકોને વ્યાજ, નોટિસ ફી, અને વોરંટ ફી પર 100% વળતર મળશે.
80% વ્યાજમાં રાહત : રહેણાંક અને કોમર્શિયલ મિલકતો માટે 2023-24 સુધીના બાકી રકમના વ્યાજ પર 80% રાહત અપાશે.
ફક્ત વ્યાજ બાકી હશે તો પણ લાભ : 2023 સુધીના બિલમાં ફક્ત વ્યાજ બાકી હોય તો નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકશે.
ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ માટે વિશેષ રાહત : વર્ષ 2003-04 થી અમલમાં આવેલી ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ હેઠળ બાકી વેરા ભરનારને પણ આ યોજનાનો લાભ મળશે.
કોર્પોરેશન દ્વારા નાગરિકોને વેરાની બાકી રકમ તાત્કાલિક ભરવા આહવાન કરવામાં આવ્યું છે, જેથી તેઓ પ્રોત્સાહક વ્યાજ વળતર યોજનાનો લાભ ઉઠાવી શકે. આ યોજના નાગરિકોને રાહત આપે તે સાથે કોર્પોરેશનની આવક લક્ષ્યાંક પૂરો કરવામાં મદદરૂપ થશે.