Vadodara

વડોદરા : મોડી રાત્રિના સમયે રૂમમાં ઊંઘી રહેલી સગીર ભાણીના માસાએ અડપલા કર્યા

ડરીને સગીરા જાગી જતા માસાએ તેની સાથે બીભત્સ માંગણી પણ કરી, મકાન શિફ્ટ કરવાનું હોય બહેનના ઘરે રાત્રિના સમયે માતા-પુત્રીએ રોકાણ કર્યું હતું

વડોદરા તારીખ 15
વડોદરા જિલ્લાના મંજુસરમાં રહેતી મહિલાને ઘર બદલવા સાથે સામાન પણ શિફ્ટ કરવાનો હતો. જેથી માતા પુત્રીએ નજીકમાં રહેતી બહેનના ઘરે રાત્રી રોકાણ કર્યું હતું. રાત્રીના સમયે તમામ સભ્યો સુઈ ગયા હતા ત્યારે સગીરાના રૂમમાં જઈને માસાએ તેના શારીરિક અડપલા કર્યા હતા. ગભરાઇને સગીરા જાગી જતા માસાએ તેની સાથે બીભત્સ માંગણી પણ કરી હતી. જેથી સગીરા ભાગીને માતા પાસે જતી રહી હતી અને માતાને માસાની હરકત બાબતે જાણ કરતા તેઓએ અભયમની મદદ લીધી હતી. મહિલાએ સગીરાના માસા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કર્યો છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સગીર તેમજ પુખ્ત વયની યુવતીઓ સાથે શારીરિક અડપલા તેમજ દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર બનતી જ રહેતી હોય છે. તાજેતરમાં નંદેસરી વિસ્તારમાં અંધારાનો લાભ લઈને ઘરમાં ઊંઘી રહેલી પુત્રવધુ સાથે કાકા સસરાએ શારીરિક છેડછાડ કરી હતી. ત્યારે વધુ એક કિસ્સો અભયમ પાસે આવ્યો છે. જેમાં એવી વિગત છે કે વડોદરા જિલ્લાના મંજુસર વિસ્તારમાંથી રહેતી મહિલાએ મકાન બદલવાનું હોય સામાન શિફ્ટ કરવાનો હતો. જેથી માતા અને પુત્રીએ તેમના ઘરની નજીકમાં રહેતા બહેનના ઘરે રાત્રિ રોકાણ કર્યુ હતુ. પરિવારના તમામ સભ્યો રાત્રિના સમયે ઊંઘી ગયા હતા તે દરમિયાન સગીરા પણ સુઇ રહી હતી. તે રૂમમાં તેના માસા ધસી આવ્યા હતા અને પ્રાઇવેટ પાર્ટ્સમાં હાથ ફેરવવા લાગ્યા હતા. માસાએ કરેલા શારીરિક અડપલાથી ડરી ગયેલી સગીરા ઊંઘમાંથી જાગી ગઈ હતી. ત્યારે માસાએ તેની પાસે અઘટિત માંગણી પણ કરી હતી પરંતુ સગીરા ત્યાંથી ભાગી ગઈ હતી અને પોતાની માતાને માસા દ્વારા કરાયેલી બીભત્સ હરકત વાત કરી અહી રહેવુ નથી તેમ જણાવ્યું હતું. જેથી સગીરાની માતાએ અભયમનો સંપર્ક કર્યો હતો. જેથી અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવી સગીરાના માસાને જણાવ્યું હતું કે તમારી દિકરીની ઉંમરની સગીરા સાથે આવું કૃત્ય કરવું એ શરમ જનક છે જે કાયદાકીય અને સામાજિક અપરાધ પણ બને છે. પરિવાર નજીકના સબંધી હતા તેમ છતા તેઓએ પોલીસ કાર્યવાહી કરવાંનુ નકકી કર્યું હતું.

Most Popular

To Top