પ્રતિનિધિ વડોદરા તા.19
ડેસર તાલુકાના મોકમપુરા ગામે અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ પત્ની સાથે વારંવાર ઝઘડા કરતો હતો. ત્યારબાદ ગઇ કાલે લાકડીના માથા તથા બરડાના ભાગે ફટકા મારીને પત્નીને મોત ઘાટ ઉતારી દીધી હતી. ડેસર પોલીસે સાળાની ફરિયાદના આધારે બનેવીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મોકમપુરા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ રાઠોડ સાથે હંસાબેન પરમારના લગ્ન 2019માં કર્યા હતા. તેમના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય થયો છે.પરંતુ ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમની પત્નીને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની વહેમ હતો. જેથી બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા રહેતા હતા. દરમિયાન ગઇ કાલે 18 જુલાઇના રોજ પતિ અને પત્ની વચ્ચે આડા પ્રેમ સંબધ મુદ્દે ઝઘડો થયો હતો. ત્યારે પતિ ધર્મેન્દ્રસિંહ રાઠોડે ઉશ્કેરાઇને પત્નીના માથા તથા બરડાના ભાગે લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ જમાઇએ કાક મોકમપુરા ખાતે રહેતા કાકા સસસરા ભરતભાઇ પરમારને ફોન કરીને તમારી દીકરીને ચક્કર આવતા જમીન પડવાના કારણે ત્યાં જ તેનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી કાકાએ હંસાબેનને ભાઇ નગીનભાઇ પરમારને જાણ કરી હતી. જેથી તેઓ બહેનની સાસરી મોકમપુરા ખાતે આવતા તેણી મૃત હાલતમાં પડેલી હતી. જેથી સાળા નગીનભાઇએ બનેવી ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ ડેસર પોલીસ સ્ટેશનમાં બહેનને મોતને ઘાટ ઉતારી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળ પર દોડી આવીને બનેવીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હંસાબેનના મૃતદેહને પીએમ કરાવતા માથા તથા ફેફસામાં ઇજા થવાના કારણે મોત થયું હોવાની બહાર આવ્યું હતું.