પોલીસ દ્વારા રાયોટિંગ અને સરકારી કામમા રૂકાટવ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો
પ્રતિનિધિ વડોદરા તા.30
વિસાવદર પેટા ચૂંટણીના વિજય પછી આમ આદમી પાર્ટીમાં જાણે ફરી પ્રાણ ફૂંકાયા હોય તેમ મેદાનમાં આવી છે. આજે આપના કાર્યકરોએ વડોદરા મહાનગરપાલિકામાં મેયરની ઓફીસ બહાર ભારે હોબાળો મચાવી મેયરની નેમ પ્લેટ ઉપર સ્યાહી ફેંકીને તોડી પણ નાંખી હતી. મેયર હાય હાયના નારા લગાવ્યા હતા. જેમાં નવાપુરા પોલીસે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ સહિત 24 કાર્યકરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના મુખ્ય માર્ગો પર ચોમાસાની શરૂઆતમાં જ ઊંડા ખાડાઓ થઈ ગયા છે, જેના કારણે વડોદરા ખાડોદરા બની ગયું છે. સાથે સાથે, ગત વર્ષે આવેલા ભયાનક પૂર બાદ અમલમાં આવેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેયર ઓફિસ ખાતે પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી હતી. મેયર ગેરહાજર હોવાને કારણે કાર્યકર્તાઓએ રોષે ભરાઈ જઈ મેયરના કેબીન બહાર લગાવેલી નેમપ્લેટ પર શાહી ફેંકીને તોડી નાખી અને નારાબાજી શરૂ કરી દીધી હતી. સુરક્ષાને ધ્યાને લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય દરવાજો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના એક મહિલા કાર્યકર્તાએ મેયર વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કોર્પોરેશનની કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેથી સિક્યુરિટી ઓફિસર દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ચંદ્રકાંત ઓઝા, પિયુષ રવજી રામાણી, રિયાઝુદ્દીન શેખ, વિનાયક ચૌહાણ, દિનેશ પરમાર સહિત 24 જેટલા કાર્યકરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.