Vadodara

વડોદરા : મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા ગોત્રીની ગોવર્ધન ફાર્મા શોપ સામે કાર્યવાહી,રૂ.15 હજારના દંડની વસૂલાત

એક્સપાયરી ડેટ વાળી દવાઓનો જાહેરમાં નિકાલ કરાયો

વહીવટી વોર્ડ 9 ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર જીએમઇઆરએસ હોસ્પિટલ ની બાજુમાં આવેલી ગોવર્ધન ફાર્મા નામની શોપના ધારક દ્વારા મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવતા તેની સામે વહીવટી વોર્ડ નંબર નવ ની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી દુકાનના સંચાલક પાસેથી 15 હજારના દંડની વસૂલાત કરી હતી.

વડોદરા શહેરમાં વધુ એક વખત પશ્ચિમ વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનું નિકાલ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે ગોત્રી મેડિકલ કોલેજની બાજુમાં ગોવર્ધન ફાર્મા નામની મેડિસિનની શોપના ધારક પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે. ગોવર્ધન ફાર્મા મેડિસિનની દુકાન ના ધારક દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટને નાખવામાં આવ્યો હતો. આ બાબત એક જાગૃત નાગરિકને ધ્યાને આવતા તેણે આ અંગેની જાણ પાલિકાની વહીવટી વોર્ડ નંબર નવની કચેરીમાં કરી હતી.

જેથી આ વાતની ખરાઈ કરવા માટે પાલિકાની વહીવટી વોર્ડ નંબર નવની ટીમ ગોવર્ધન ફાર્મા મેડિકલ શોપ ખાતે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા જાહેરમાં જ મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હોવાનું ફલિત થયું હતું. જ્યારે બીજી તરફ આ દવાઓનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો જણાઈ આવ્યો હતો. જેથી કરીને વહીવટી વોર્ડ નંબર 9ની ટીમે સૌપ્રથમ ફાર્મા શોપના ધારકને નોટિસ ફટકારી હતી. જોકે તેઓ સ્થળ પર જ દંડ ભરવા રાજી થઈ જતા પાલિકાની ટીમે તેઓ પાસેથી રૂપિયા 15 હજારના દંડની વસૂલાત કરી હોવાનું વોર્ડ 9ના અધિકારી સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું.

Most Popular

To Top