ગત મહિને પરીક્ષા દરમિયાન ગેરરીતિ મામલે વિધ્યાર્થી દ્વારા એમ.એસ.યુનિવર્સિટીને ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કાર્યવાહી અંગેની મૌખિક બાંહેધરી આપવામાં આવી પરંતુ એક્શન શા માટે ન લીધી
(પ્રતિનિધિ) વડોદરા તા.05
ગત ઓગસ્ટ મહિનાના અંતમાં લેવાયેલી વડોદરા મેડિકલ કોલેજ ના MBBS ના પ્રથમ વર્ષના વાર્ષિક પરીક્ષા દરમિયાન સર્વન્ટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા મેળવી વિધ્યાર્થીઓ ને પરીક્ષામાં ગેરરીતી આચરવાના મામલે વિદ્યાર્થી દ્વારા સૌ પ્રથમ યુનિવર્સિટી તથા પ્રોફેસરોને જાણ કરી હતી પ્રથમ જવાબદેહી એમ.એસ.યુનિવર્સિટીના સતાધીશોની હોવા છતાં કેમ કોઈ પગલાં ન લીધા?
ગત તા. 28 ઓગસ્ટના રોજ વડોદરા મેડિકલ કોલેજના MBBS ના પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લેવામાં આવી હતી તે ચાલુ પરીક્ષા દરમિયાન સર્વન્ટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રોકડા તેમજ ઓનલાઇન રૂ.200 લેખે પૈસા લઈને વિધ્યાર્થીઓ ને વોશરૂમમાં જવા દઇ મોબાઇલ ફોન પર જવાબો વાંચવા દઇ ગેરરીતિ આચરવા દેવાઇ હતી આ સમગ્ર મામલે એક મેડિકલ સ્ટુડન્ટ દ્વારા પરીક્ષા પૂરી થયા બાદ એમ.એસ.યુનિવર્સિટી તથા ફરજ પરના પ્રોફેસરોને ફરિયાદ કરી હતી પરંતુ સામે આ વિધ્યાર્થીની ફરિયાદને સતાધીશોએ ગંભીરતાથી લેવાને બદલે સમગ્ર મામલે કાર્યવાહી કરવાની ફક્ત મૌખિક બાંહેધરી આપી હતી પરંતુ ત્યારબાદ યુનિવર્સિટી કે તે સમયે હાજર પ્રોફેસરોએ આ વિધ્યાર્થીની રજૂઆત ગંભીરતાથી લીધી ન હતી કે તેની પાસેથી લેખિત ફરિયાદ લેવાની તસ્દી સુધ્ધાં લીધી ન હતી. ખરેખર ગોત્રી મેડિકલ કોલેજ તથા એસ.એસ.જી. હોસ્પિટલમાં આવેલા બરોડા મેડિકલ કોલેજના પરીક્ષા પેપર સરખા જ હોય છે અને તેને કંડક્ટ કરાવે છે એમ.એસ.યુનિવર્સિટી ત્યારે જો આ પ્રકારની ફરિયાદ વિધ્યાર્થી દ્વારા યુનિવર્સિટી ને તથા પ્રોફેસરોને કરવામાં આવી ત્યારે યુનિવર્સિટી દ્વારા આ મામલે કેમ ગંભીરતાથી તપાસ કરવામાં ન આવી? આખરે વિધ્યાર્થીએ ડીન ને રજૂઆત કરી હતી અને હવે જ્યારે ગુજરાતમિત્ર દૈનિક અખબાર દ્વારા સમગ્ર મુદ્દે અહેવાલ પ્રસિદ્ધ કરાયો ત્યારે બરોડા મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયર દ્વારા આઉટસોર્સિંગ એજન્સી રજસ એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાકટરના વર્ગ 4 ના ચાર સર્વન્ટની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી અને હવે તપાસ કમિટી નીમવામાં આવી છે. સમગ્ર મામલે શંકાસ્પદ સર્વન્ટ અંગે તપાસ બાદ કાર્યવાહી થનાર છે તો શું યુનિવર્સિટી તથા જે પ્રોફેસરોને વિધ્યાર્થીએ રજૂઆત કરી હતી તેઓની જવાબદેહી બનતી નથી?
જો ધોરણ 10મા અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન અથવા તો અન્ય પરીક્ષા દરમિયાન પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા, ચોરી ગેરરીતી અટકાવવા સ્કોડ તથા બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે ત્યારે શું આ ભાવિ તબીબોની વાર્ષિક પરીક્ષા દરમિયાન શા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી?
પરીક્ષામાં ગેરરીતી કરી ભવિષ્યમાં તબીબ બનતા મુન્નાભાઇ જેવા તબીબ પાસેથી દર્દીઓ શું આશા રાખશે?
બીજી તરફ બરોડા મેડિકલ કોલેજના બોય્ઝ હોસ્ટેલમાં તેમજ હોસ્પિટલ પરિસરમાં રાત્રે નશાની માદક વસ્તુઓ બેરોકટોક આવે છે જેમાં શરાબ ગાંજો, ડ્રગ્સ આવે છે અને આ બાબતે ડીને કબુલ્યું છે કે આ એક ગંભીર દૂષણ છે પરીક્ષામાં ગેરરીતી બાબતે તપાસ કમિટી નીમી છે તથા નશા જેવી ગેરકાનૂની ગતિવિધિ અટકાવા સિક્યુરિટી ને સખત સૂચના સાથે બે એજન્સીઓ જીઆઇએસએફ તથા રજસ એન્ટરપ્રાઇઝ ને નોટિસ ફટકારી છે સાથે જ બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરવા અને વર્ગ 4 સિક્યુરિટી મહેકમ વધારવા સરકારને રજૂઆત કરવામાં આવી છે.પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે મોટા ભાગના સુરક્ષા કર્મીઓ નશાની હાલતમાં હોય છે ત્યારે આ નશાનો કારોબાર રોકશે કોણ? ડીન દ્વારા હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકીંગ ના આદેશ સાથે ટીમ નીમી છે.