વાઘોડિયા ડભોઈ રિંગરોડ પર કાન્હા ગ્રુપની કાન્હા ગોલ્ડ રેસિડેન્સીના રહીશોનો વિરોધ :
લિફ્ટ પડુ પડુની હાલતમાં, યોગ્ય મેન્ટેનન્સ પણ કરવામાં નહિ આવ્યું હોવાના આક્ષેપ :
( પ્રતિનિધિ ) વડોદરા તા.16
વાઘોડિયા ડભોઈ રીંગ રોડ ઉપર કાન્હા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી કાન્હા ગોલ્ડ રેસિડેન્સીના રહીશો પાસેથી મેન્ટેનન્સના નામે કરોડોની રકમ કાન્હા ગ્રુપના બિલ્ડર અંકિત ઠક્કર દ્વારા લેવામાં આવી હતી. જે વાયદા મુજબ તેણે રહીશોને પરત કરવાના હતા. પરંતુ બિલ્ડર અંકિત ઠક્કર દ્વારા 12-14 વર્ષે પણ સ્થાનિક લોકોને પરત નહીં આપવાના આક્ષેપ સાથે કાન્હા ગોલ્ડના રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
એક કરોડથી પણ વધુ રકમ બિલ્ડર અંકિત ઠક્કરે કાન્હા ગોલ્ડ રેસિડેન્સીના રહીશોને આપવાની બાકી છે. ત્યારે કાન્હા ગોલ્ડ રેસિડેન્સીના રહીશોએ બિલ્ડર અંકિત ઠક્કરનો ઘેરાવો કર્યો હતો અને મેન્ટેનન્સના રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી. સ્થાનિકોએ બિલ્ડર પર ચેક બાઉન્સ પણ ગયા હોવાના આક્ષેપ કર્યા છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અમે ઉછીના પૈસા કે ભીખ નથી માંગતા, જે કોમ્પ્લેક્સના મેન્ટેનન્સ ના પૈસા એમણે ઉઘરાવ્યા છે. એ જ પાછા માંગી રહ્યા છીએ. આટલા વર્ષો સુધી એમણે પૈસા જ નથી આપ્યા, શું કાન્હા ગોલ્ડની અલગ અલગ સાઈડો ઉપર પૈસા આવતા જ નથી. અમને ગમે તે રીતે આજની તારીખમાં અમારા પૈસા પાછા જોઈશે.
કાન્હા ગોલ્ડ રેસિડેન્સીમાં રહેતા રહીશે જણાવ્યું હતું કે અમે લોકો એટલા માટે ભેગા થયા હતા કે આટલા વર્ષોથી અમારા પૈસા જે બિલ્ડર પાસે ભરાયેલા છે. એ લેવાના બાકી હતા અને ઘણીવાર એવું થયું છે કે, એમણે અમને ચેક આપ્યા છે અને ચેક પણ બાઉન્સ જ થયા છે. અને કોઈપણ સારો બિલ્ડર હોયને એ ફાંદાફુંદી કરતો જ હોય અને આમણે પણ કર્યા જ છે. પણ આપણે માણસાઈની દ્રષ્ટિએ જોઈને કશું કર્યું નથી. જોકે આ વાતને એટલા વર્ષો થઈ ગયા માટે આજે ભેગા થયા કે એમને કહીએ. અમે એમના ઘરે જવાના હતા, પણ હજી પણ અમારામાં માણસાઈ બાકી છે કે આમાં ફેમિલીને ઇન્વોલ ના કરી અને ડાયરેક્ટ ડિલિંગ કરીને કામ પતતું હોય તો ફેમિલીને હેરાન ના કરીએ. કારણ કે અમને લોકોને ખબર છે અમે અહીંયા રહીએ છીએ. અમારી બધાની લિફ્ટ એટલી ખરાબ છે. જે હલતી હોય છે, ચોથા માળેથી ઉંમરલાયક લોકો નીચે ઉતરી નથી શકતા. ચઢીને જવું પડે છે લિફ્ટ બંધ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ મેન્ટેનન્સનું કામ બાકી છે દરેક વખતે અમારે ભીખ માંગવાની અને એમના વાયદા હોય છે. 1,42,50,000 બાકી છે. એટલે એ અમને જ્યારે કોણીએ ગોળ લગાવતા હોય એવું પાછું ચાલુ કર્યું છે કે, અમે થોડું આપીશું અને પછી થોડાને ચેક આપીશું , જે અમને મંજૂર નથી.