વડોદરા: તરસાલીમાં કૂતરાએ સાત વર્ષની બાળકીને બચકું ભરી લેતા સારવાર લેવાની નોબત આવી હતી. આ ડોગના માલિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વડોદરાના તરસાલીમાં મંગલા ગ્રીન સોસાયટીમાં રહેતા વર્ષાબેન પાંડેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 9:30 વાગે હું તથા મારી દીકરી અમારા ફલેટમાં નીચે વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. તે વખતે અમારી સોસાયટીમાં રહેતા શશીકાંત મોગે તેમનું જર્મન શેફર્ડપાલતુ કૂતરું લઈને નીકળ્યા હતા.અગાઉ પણ તેમના ડોગ બાબતે આ એપાર્ટમેન્ટના રહીશો સાથે ઝઘડો થયો હતો અને તેમના પત્નીએ ગત છઠ્ઠી જૂને એક મહિનામાં ડોગ હટાવી દઈશું તેવી બાહેધરી આપી હતી. તેમ છતાં તેઓએ પોતાનો ડોગ બીજી જગ્યાએ શિફ્ટ કર્યું નહોતું. સોસાયટીના તમામ રહીશો તેમના વિરુદ્ધમાં હોય તેઓ ગઈકાલે રાત્રે મારી સામે આંખો કાઢીને જોતા હતા અને મને તેઓ દારૂનો નશો કરેલો હોય તેવું લાગ્યું હતું. શશીકાંતભાઈએ તેમના જર્મન શેફર્ડ ડોગનો પટ્ટો છોડી કંઈક ઈશારો કરી અમારા તરફ દોડાવ્યું હતું. ત્યારબાદ તે ડોગ મારી પાસે આવી મારી દીકરીને જમણા પગના ઘૂંટણના નીચેના ભાગે બચકું ભરી લોહી લુહાણ કરી દીધી હતી. સોસાયટીના રહીશો ભેગા થઈ જતા શશીકાંતભાઈએ મને ધમકી આપી કહ્યું હતું કે તું મારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ ત્યારબાદ તેઓ તેમનું ડોગ લઈને જતા રહ્યા હતા.
વડોદરા: માલિકે ઇશારો કરતા પાલતુ કૂતરાએ 7 વર્ષની બાળકીને બચકું ભરી લીધું, ડોગ માલિક સામે ફરિયાદ
By
Posted on