Vadodara

વડોદરા : મારી રાજકીય તથા શૈક્ષણિક કારકિર્દી પર કલંક લગાવવાનું કામ કરાયું છે – દિલીપસિંહ ગોહિલ

તાજેતરમાં જામીન મુક્ત થયેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેને પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પર આક્ષેપ કર્યા

દિલીપસિંહ ગોહિલની પત્ની તથા સસરાને કોર્પોરેટર દ્વારા ફોન કરીને જમીન પડાવવા દબાણ કરાયું હોવાનો આરોપ
વડોદરા તારીખ 2
જમીન કૌભાંડના ગુનામાં તાજેતરમાં જામીન મુક્ત થયેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની સાથે બનેલી ઘટના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સુખલીપુરા જમીન કૌભાંડમાં દિલીપ ગોહિલ મધ્યસ્થી હતા તેમ છતાં તેમને આરોપી બનાવવા સાથે રૂપિયા દસ લાખ લઈને વિદેશ ભાગી ગયા હોવાના આરોપ લગાવાયા હતા જેને સદંતર તેઓએ નકારી કાઢ્યા હતા. તેમની રાજકીય તથા શૈક્ષણિક કારકિર્દી પર કલંક લગાવવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત પરાક્રમસિંહ જાડેજા દ્વારા તેમની પત્નીને વારંવાર મિસ કોલ થતા ફોન કરાયા હતા તેમજ તેમના સસરાને ફોન દ્વારા દબાણ કરીને તેમની જમીન પડાવી લેવાના પ્રયાસો કરાયા હોવાનો પણ આરોપ ભાજપના કોર્પોરેટર પર લગાવવામાં આવ્યો છે.
વડોદરા શહેર નગર સેવક પરાક્રમસિંહ જાડેજા ને જમીન વેચાણ આપવાનું કહીને તેમની પાસેથી રૂ. 21 લાખ નગર
પ્રાથમીક શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ તથા કમલેશ દેત્રોજાએ પડાવી લીધા હતા.
જેની પરાક્રમસિંહ જાડેજાએ સમા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કમલેશ દેત્રોજાની ધરપકડ કરી લીધી હતી જ્યારે દિલીપ ગોહિલ વિદેશ ભાગી ગયા હતા. પરંતુ દુબઈથી પરત આવતા દિલીપસિંહ ગોહિલની ધરપકડ કરી લેવામાં આવી હતી. તાજેતરમાં જ દિલીપસિંહ ગોહિલ જામીન પર મુક્ત થયા હતા.
આજે 2 ઓગસ્ટ ના રોજ દિલીપસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કમલેશ દેત્રોજા ના કૌટુંબિક કાકાની સુખલીપુરા ગામ પાસે આવેલી જમીન વેચાણ આપવાની છે જેમાં હું મધ્યસ્થી તરીકે રહ્યો હતો અને પરાક્રમસિંહ જાડેજા તથા કમલેશ દેત્રોજા વચ્ચે જમીનનો સોદો કરાવ્યો હતો. જેમાં પરાક્રમથી જાડેજાએ 21 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ બાદમાં કમલેશ દેત્રોજા એ કહ્યું હતું કે તેમના કાકા હાલમાં જમીન વેચવાની ના પાડે છે જેથી તમે તમારા રૂપિયા પરત લઈ લો પરંતુ પરાક્રમસિંહ જાડેજા માન્યા ન હતા અને હું તો જમીન જ લેવાનો છું તારે તારા કાકા ને સમજાવવા હોય તો સમજાય એવું જણાવ્યું હતું. ત્યારબાદ કમલેશ દેત્રોજા અને પરાક્રમસિંહ જાડેજાએ મને સાઈડમાં કરી નાખ્યો હતો અને સાથે નાણાકીય વ્યવહારો શરૂ કરી દીધા હતા. દરમિયાન મારા દુબઈ ખાતે રહેતા દીકરાને કંપનીનું રજીસ્ટ્રેશન હોય ત્યાં જવું પડ્યું હતું. જેથી હું જેવો દુબઈ ગયો હતો ત્યારે મે રૂપિયા દસ લાખ લઈને વિદેશ ભાગી ગયો હોવાની વાતો ફેલાવવામાં આવી હતી. દરમિયાન પરાક્રમસિંહ જાડેજાએ મને કહ્યું હતું કે વિદેશથી આવી જા હું તારા જામીન તરીકે રહીશ અને જેલમાં ટિફિન પણ હું જ મોકલાવીશ તેવી બાહેધરી આપી મારો વિશ્વાસ કેળવીને મને બોલાવ્યો હતો. પરંતુ વડોદરા આવ્યા બાદ મારા મોટાભાઈ સમાન પરાક્રમસિંહ જાડેજા ના સ્વભાવમાં ઘણો ફેરફાર આવી ગયો હતો.

દિલીપસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે આ મારી શૈક્ષણિક તથા રાજકીય કારકિર્દીને કલંક પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે. પરાક્રમસિંહ જાડેજા દ્વારા રાત્રિના સમયે મારા પત્નીને ઘણા બધા ફોન તથા મિસકોલ કરવામાં આવતા હતા તથા મારા સીનીયર સીટીઝન સસરાને પણ ફોન કરીને તેમની પોતાની માલિકીની જમીન પડાવી લેવા માટેનું દબાણ પણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને પણ આગામી દિવસોમાં મારી સાથે બનેલી તમામ ઘટના વિશે રજૂઆત કરવાનો છું. મને પરત ભાજપમાં લઈ લેવામાં આવે તેના માટે પણ મારો પક્ષ રજૂ કરીશ.

Most Popular

To Top