કન્ઝ્યુમર એક્ટીવીસ્ટ પી.વી મૂરજાણી આપઘાત કેસમાં માનેલી દીકરી અને તેની માતાની ગણતરીના કલાકો મા જ ધરપકડ કરાશે, આજે સાંજ સુધી ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા
વડોદરા તારીખ 12
માનેલી પુત્રી અને તેની માતાના અતિશય ત્રાસના કારણે કન્ઝ્યુમર એક્ટીવીસ્ટેટ એ વાઘોડિયા રોડના મકાનમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી માતા પુત્રી ભાગતા ફરતા હોય, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત તરફ વાગ્યા હોવાનું જાણવા મળતા પોલીસની ત્રણ ટીમો ત્યાં રવાના કરાઈ છે. ત્યારે કોમલ અને તેની માતાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આજે સાંજ સુધીમાં મૃતક મૂરજાણીના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે એવું પણ જાણવા મળ્યું છે.
કન્ઝ્યુમર એક્ટીવીસ્ટ અને વાઘોડિયા રોડ પર નારાયણ ડુપ્લેક્સમાં રહેતા પુરુષોત્તમ મૂરજાણીએ આઠ નવેમ્બર ના રોજ રાત્રિના સમયે પોતાના મકાનના બીજા માળે ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાત કરતા પહેલા જ પીવી મૂરજાણીએ મિત્ર વર્તુળમાં મેસેજ દ્વારા સુસાઇડ નોટ વાયરલ કરી હતી. જેમાં તેણે માનેલી દીકરી કોમલ અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસના કારણે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી માતા ,પુત્રી પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા ચાર દિવસથી સતત અલગ અલગ વિસ્તારોમાં નાસતા ફરે છે. પોલીસ દ્વારા તેમના ફોન તથા બેંક ડીટેલ કઢાવવામાં આવી છે. પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે સતત ફરાર માતા પુત્રીની તપાસ કરતા હોય બંને હાલમાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત તરફ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવીને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત તરફ રવાના કરી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ માતા પુત્રી હાતવેતમાં હોય સાંજ સુધીમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સાંજ સુધીમાં ફરિયાદ પણ મૂરજાણી ના પરિવાર દ્વારા નોંધાવવામાં આવશે.