વડોદરા તારીખ 2
માણેજા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધ મોપેડ પર માણેજા ક્રોસિંગ પાસે ઉભા હતા. તે દરમિયાન યમદૂત બનીને આવેલા હાઇડ્રા ક્રેનના ચાલકે પાછળથી અડફેટે લીધા હતા. ત્યારબાદ તેઓ રોડ પર પડી જતા હાઇડ્રાથી કચડી નાખ્યા હતા. જેમાં તેમનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. પુત્રે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે હાઇડ્રા ક્રેનના ચાલકને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પોલીસની કામગીરીથી નારાજ પરિવારે ન્યાય માટે કોર્ટમાં દાદ માંગી હતી.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં વિન્સર કંપની પાસે લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય સતિષભાઈ પટેલ પોતાનો મોબાઈલ લઈને કામ અર્થે નીકળ્યા હતા. દરમિયાન તેઓ ક્રોસિંગ પાસે મોપેડ લઈને સિગ્નલ બંધ હોય ઉભા રહ્યા હતા. તે દરમિયાન હાઇડ્રાકેનના ચાલકે સિગ્નલ બંધ હોવા છતાં પૂર ઝડપે ચલાવીને લાવ્યો હતો અને ટુ-વ્હીલર પર ઉભા રહેલા સતિષભાઈ પટેલ પાછળથી આવીને અડફેટે લીધા હતા. જેમાં રોડ પર પટકાયા હતા ત્યારબાદ હાઇડ્રાક્રેન ના ચાલકે તેમને કચડી નાખ્યા હતા. ગંભીર ઇજાઓ થવાના કારણે વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.જો કે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મૃતક સતિષભાઈ પટેલના પુત્ર મેહુલ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા અકસ્માત કરનાર હાઇડ્રા ચાલક સામે સખત કાર્યવાહી નહી કરીને આરોપીને જામીન પર છોડી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.જેથી મકરપુરા પોલીસની કામગીરીથી નારાજ પરિવારે કોર્ટ પાસે દાદ માંગી હતી. ત્યારે પોલીસની રહેમ નજર હેઠળ દોડતા ભારધારી સહિતના વાહનો વારંવાર અન્ય વાહન ચાલકોના ભોગ લેતા હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાના કારણે તેમને છૂટો દોર મળી ગયો છે. ત્યારે આ ભારધારી વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.