ધોબી ઈજાગ્રસ્ત,મહિલાનો આબાદ બચાવ થયો
સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.14
વડોદરા:માંજલપુર સ્પંદન સર્કલ પાસે એસટી બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા નજીકમાં આવેલી ધોબીની લારીમાં ટેન્કર ઘૂસી ગયું હતું.અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો હતો.જ્યારે ધોબીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ જુદા જુદા વિસ્તારોમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે,તેવામાં સોમવારે વધુ એક અકસ્માતની ઘટના માંજલપુર વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુર સ્પંદન સર્કલ પાસે રાજપીપળાથી કીર્તિ સ્તંભ તરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જોકે પાણીનું ટેન્કર રોંગ સાઈડ આવી રહ્યું હતું આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાણીના ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનું ટેન્કર ઘૂસી ગયું હતું આકસ્માતમાં ધોબીને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ આ અંગે સ્પીડ બ્રેકર મુકવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજપીપળા થી નીકળેલી બસ સીધી જતી હતી તે દરમિયાન જ પાણીના ટેન્કરે સિગ્નલ આપતા ટર્ન મારતા અકસ્માત સર્જ્યો. બસમાં 10 પેસેન્જર હતા. સદનસીબે કોઈને પણ કોઈ ઈજા થઈ ન હતી. જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે, ટેન્કર ધડાકાભેર દીવાલ અને ધોબી કામ માટે ઉપયોગમાં લેવાતી લારીમાં અથડાઇ હતી. પાણી ટેન્કરના ડ્રાઈવરને લાયસન્સ માટે પૂછતા તેણે જણાવ્યું કે હાલ મારી પાસે નથી પણ તે તેના ઘરે છે, સ્થાનિક સૂત્રો મુજબ તે લાયસન્સ તેના ઘરે પણ નથી. જેથી પાણી ટેન્કરના ડ્રાઈવરને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અને આગળની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

