વેપારીઓની રજૂઆત ભલે ઈલેક્ટ્રીસિટી કટ કરી દો, ચાલશે પણ સીલ ન મારો :
પાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી :
( પ્રતિનિધિ ) વડોદરા તા.31
વડોદરા શહેરમાં રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકા અને ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા શહેરમાં ઠેર ઠેર હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ, રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં ચેકિંગ કરી ફાયર સેફ્ટીનો અભાવ તેમજ એનઓસી નહિ હોવાના કારણે સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ માં આવેલી આશરે 180 જેટલી મિલકતોને ફાયર સિસ્ટમનો અભાવ અને એનઓસી નહીં હોવાના કારણે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યનું વહીવટી તંત્ર સફાળા જાગ્યું છે. ત્યારે વડોદરામાં પણ પાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા પાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે, હોસ્પિટલો શાળાઓ ટ્યુશન ક્લાસીસ, હોટેલ, રેસ્ટોરન્ટ ,કાફે , મોલ્સ, શોરૂમ, વ્યાપારી સંસ્થાઓ, ફિટનેસ સેન્ટર, કોલ સેન્ટર, ફર્નિચર વગેરેમાં ફાયર સેફ્ટી અને અન્ય એન્જિનિયરિંગની બાબતો જેવી કે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બાબતોના ધારા ધોરણનું પાલન કરવામાં આવે છે કે કેમ તે સહિતની બાબતો અંગે પાલિકા અને ફાયર બ્રિગેડ ની જુદી જુદી ટીમો દ્વારા શહેરના વિવિધ ચાર ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુરુવારે 661 મિલ્કતોની તપાસ બાદ 575 મિલ્કતોને સીલ કરવામાં આવી હતી. તે જ પ્રમાણે શુક્રવારે પણ માંજલપુર વિસ્તારમાં આવેલ સરસ્વતી કોમ્પલેક્ષ ખાતે પાલિકા અને ફાયર વિભાગની ટીમ ત્રાટકી હતી. જ્યાં તપાસ કરતા માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ માં આવેલ આશરે 180 થી વધુ જેટલી મિલકતોમાં ફાયર સેફ્ટી નો અભાવ તેમજ એનઓસી નહીં હોવાનું ધ્યાને આવતા સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદની આગેવાની હેઠળ પાલિકાના વિવિધ વિભાગની ટીમો દ્વારા 180 મિલ્કતોને સીલ મારવાની કાર્યવાહી હાથધરી છે. ત્યાંના સ્થાનિક એક અગ્રણીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ તમામ મિલકત ધારકો પાસેથી ફાયર સેફ્ટી સહિતની સિસ્ટમો કાર્યરત કરવા મેન્ટેનન્સ સહિતના કામો કરવા માટે બધા પાસે રૂપિયા માંગવામાં આવ્યા હતા, તેમાંથી માત્ર 70 જેટલા લોકોએ જ આ આપ્યો હતો. બાકીના એ કોઈ રસ દાખવ્યો ન હતો. જેથી કરીને તમામ મિલકતોને સીલ મારવી જ જોઈએ.