પોલીસ કંટ્રોલમાં દારૂની વર્ધી આપતો હોવાની અદાવતે યુવકનું રીક્ષામાં અપહરણ કરી ઢોર માર્યો, બુટલેગર સહિત ત્રિપુટીની ધરપકડ
વડોદરા તારીખ 15
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બુટલેગર ભાવેશ સોલંકી પોલીસના ડર વિના બિન્દાસ રીતે દારૂનો ધંધો કરે છે.પોલીસ કંટ્રોલમાં દારૂની વર્ધી આપતો હોવાની અદાવતે યુવકનું બુટલેગરે તેના સાગરીતો સાથે મળી સરસ્વતી ચાર રસ્તા પાસેથી રીક્ષામાં અપહરણ કરી માંજલપુર ગામમાં લઈ જઈને ઢોર માર્યો હતો. ત્યારબાદ યુવકને પરત જગ્યા પર ફેંકીને જતા રહ્યા હતા પત્ની યુવકને સારવાર માટે એસએસજીમાં ખસેડી ફરિયાદ નોંધાવતા પોલીસે બુટલેગર સહિત ત્રિપુટીની ધરપકડ કરી લીધી છે.
વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બુટલેગર પોલીસના કોઈપણ પ્રકારના ડર વિના બિન્દાસ રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે. સામાન્ય જનતાને આ દેશી વીદેશી દારૂનો વેપલો થતો જોવા મળી રહ્યો છે પરંતુ પોલીસ અધિકારીઓને કેમ આ ગેરકાયદે ધમધમતા દારૂના અડ્ડા દેખાતા નથી ? બુટલેગરોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ વિસ્તારમાં દારૂ વેચી રહ્યા છે કોઈ વ્યક્તિ તેની સામે જો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો બુટલેગરો તેમની સાથે દાદાગીરી કરી માર પણ મારતા હોય છે. માંજલપુર વિસ્તારમાં રહેતા નૈતિક પટેલ નામના યુવક ધુળેટીના દિવસે સરસ્વતી ચાર રસ્તા પાસે બેઠો હતો તે દરમિયાન બુટલેગર ભાવેશ ઉર્ફે ભાવુ રીક્ષા લઈને ત્યાં ધસી આવ્યો હતો. નૈતિક પટેલને પોલીસ કંટ્રોલમાં શા માટે અમારી વર્ધી લખાવે છે તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બળજબરી પૂર્વક તેનું રીક્ષામાં અપહરણ કરીને બુટલેગર માંજલપુર ગામમાં લઈ ગયો હતો. ત્યાં તેના સાગરીતો સાથે મળીને યુવકને ઢોર મારવામાં આવ્યો હતો. યુવક બેભાન જેવો થઈ જતા તેને રીક્ષામાં પરત જગ્યા પર ફેકીને બુટલેગર તથા તેના સાથીદારો ભાગી ગયા હતા. નૈતિક પટેલ ની પત્નીને જાણ થતા તેઓ પતિને લઈને એસએસજી હોસ્પિટલમાં સારવાર કરવા માટે લઈ આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન નૈતિક પટેલને માથામાં ઘા કર્યા હોય ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. નૈતિક પટેલની પત્નીએ જણાવ્યું હતું કે બુટલેગર ભાવેશ અગાઉ પણ મારા પતિને પોલીસમાં વર્ધી આપતો હોવાની અદાવતે માર માર્યો હતો. હાલમાં પણ માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બુટલેગર ભાવેશ ઉર્ફે ભાવુ અને તેના સાગરીતો યસ ઉર્ફે ભીખો ગાંધી અને ધર્મેશ ઉર્ફે ધમો પરમારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
