પ્રતિનિધિ વડોદરા તા.20
તરસાલી વિસ્તારમાં બે મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા બાદ તેમને વાતોમાં પરોવીને ગળામાંથી સોનાની ચેન તથા મંગળસુત્ર સરકાવી લીધા હતા. આ ગુનામાં ફરાર આરોપી મહિલાને ક્રાઇમ બ્રાન્ચે આણંદમાંથી ઝડપી પાડી મકરપુરા પોલીસને સોંપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મહિલા સહિત ચાર આરોપી ઝડપાયાં હતા.
વડોદરા શહેરમાં મહિલાઓ પેસેન્જર તરીકે બેસાડ્યા બાદ તેમના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસુત્ર સરકાવી લેવાના ઘણા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. વર્ષ 2024માં પણ તરસાલી વિસ્તારમાં બે મહિલાઓને રિક્ષામાં બેસાડ્યા હતા. ત્યારે રીક્ષામાં અગાઉથી પુરૂષ અને મહિલાઓ બેઠેલા હતા. આ લોકો બંને મહિલોને વાતો પરાવ્યા હતા. ત્યારબાદ આ ગઠિયાઓએ મહિલાઓના ગળામાંથી ચાલાકી વાપરીને ધીરે રહીને સોનાની ચેન તથા મંગળસુત્ર સરકાવી લીધા હતા. ત્યારબાદ બંને મહિલાઓને તેમના બતાવેલા સરનામા પર ઉતારી દીધા હતા. જેથી મહિલાઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરાઇ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં મહિલાઓને નિશાન બનાવતી ટોળકીના અન્ય આરોપીની શોધખોળ કરી હતી. દરમિયાન બાતમીના આધારે આ ગુનામાં આણંદના ઇસ્માઇલનગરમાં રહેતી ફારૂકી મસ્જીદ પાછળ રહેતી મહિલાની સંડોવણી બહાર આવી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલાની ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી ત્યારે નાસતી ફરતી મહિલા હાલમાં આણંદના તેના ઘરે છે તેવી બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદ ખાતે પહોંચી મહિલા રેશ્મા લાલી ઇમરાન વ્હોરાને ઝડપી પાડી હતી. વડોદરા લાવ્યા બાદ આરોપી મહિલાને મકરપુરા પોલીસને સોંપાઇ છે.