Vadodara

વડોદરા : મહાશિવરાત્રી કાઉન્ટડાઉન — ‘શિવજી કી સવારી’ના રૂટ પર ડ્રોન કેમેરાથી બાજ નજર

તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ, 3 હજારથી વધુ જવાનો તૈનાત


વડોદરા તા. 13:
વડોદરામાં મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય છે. આગામી 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે શહેરમાં ‘શિવજી કી સવારી’ ભવ્ય રીતે નીકળવાની હોવાથી શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શિવભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડોદરા શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રૂટ તેમજ આસપાસના વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે.

રૂટ પર કડક ચેકિંગ અને સર્વેલન્સ
શિવજી કી સવારીના રૂટ પર ભીડભાડવાળી જગ્યાઓ, શોપિંગ સેન્ટરો, થિયેટરો, હાઇરાઇઝ બિલ્ડિંગો અને તેમના બેઝમેન્ટ પાર્કિંગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.આ ઉપરાંત રૂટની આજુબાજુ આવેલા મકાનોની અગાશીઓ પર પણ ડ્રોન કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. બંદોબસ્ત પોઇન્ટોની મુલાકાત લઈને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. અન્ય ધાર્મિક સ્થળો આસપાસ પણ ચુસ્ત તપાસ કરવામાં આવી છે.

3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત
શિવજી કી સવારી દરમિયાન ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત 3 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. ભક્તોની વધતી અવરજવર અને ભીડને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે.
નરસિંહા કોમાર (પોલીસ કમિશનર) તથા ડૉ. લીના પાટીલ (એડિશનલ પોલીસ કમિશનર) દ્વારા તહેવારને લઈ વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સાથે સતત ફૂટ પેટ્રોલિંગ અને રૂટ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર
પીસીબી, એસઓજી અને ડીસીબી સહિતની ટીમોએ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચકાસણી હાથ ધરી છે.
શિવજી કી સવારી ઉપરાંત શહેરની 23 જેટલી જગ્યાઓ પર પૂજા-આરતી સહિતના કાર્યક્રમો યોજાવાના હોવાથી પોલીસ દ્વારા આયોજકો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે.
શિવજી કી સવારીને લઈ આજે રિહર્સલ
પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે.તા. 14 ફેબ્રુઆરીના રોજ શિવજી કી સવારીના રૂટ પર પોલીસ બંદોબસ્તની રિહર્સલ યોજાશે. રૂટ પર સતત ફૂટ પેટ્રોલિંગ અને નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત સજ્જ રહી કામગીરી કરી રહી છે.

Most Popular

To Top