શનિવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 10 દરખાસ્તોને લીલી ઝંડી
વોર્ડ શાખાઓ માટે હાથલારી ખરીદી રૂ. 69.85 લાખ સુધી એક વર્ષ માટે ફરી મંજૂર
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજની બેઠકમાં કુલ 10 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. સભ્યોમાં કામોની ચર્ચા બાદ તમામ કામોને મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત કેટલ ન્યૂસન્સ ડિપાર્ટમેન્ટમાં કરાર આધારિત ઉચ્ચક વેતનથી નિયુક્ત થયેલા કર્મચારીઓની મુદત 11 મહિના સુધી વધારવાની પણ મંજૂરી અપાઈ છે. દક્ષિણ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઈજારા માટે રૂ. 8 કરોડની મર્યાદામાં રેમીન્સ ગ્રુપના ભાવપત્રને 15.50% ઓછા દરે મંજૂરી અપાઈ. પૂર્વ ઝોનમાં સિવિલ કામ માટે પણ રૂ. 8 કરોડની મર્યાદામાં જય એન્ટરપ્રાઈઝના ભાવપત્રને એ જ દરે મંજૂરી આપવામાં આવી. કોપીયર પેપરની ખરીદી માટે કુલ 10,500 પેકેટ (A4 અને FS) લેવા રૂ. 22,48,455ના બિનશર્તીય ભાવપત્રને મંજૂરી આપવામાં આવી.
CNCD વિભાગના કરાર આધારિત કર્મચારીઓની મુદત વધુ 11 મહિના સુધી વધારવામાં આવી છે. વોર્ડ શાખાઓ માટે હાથલારી ખરીદી રૂ. 69,85,020 સુધી એક વર્ષ માટે ફરી મંજૂર કરાઈ. GISF મારફતે ખંડેરાવ માર્કેટ, સયાજીબાગ, સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સહિત સ્થળોએ 150 ગાર્ડની સેવાઓ રૂ. 6 કરોડની મર્યાદામાં એક વર્ષ સુધી લેવામાં આવશે. વોર્ડ-13 કાલાઘોડા ખાતે ડ્રેનેજના ભંગાણની દુરસ્તી માટે રૂ. 16.17 લાખ + GST અને વોર્ડ-12 અકોટા ખાતે ભંગાણની દુરસ્તી માટે રૂ. 18.16 લાખ + GSTના ખર્ચની હકીકતનો અહેવાલ રજૂ થયો. વોર્ડ-12 બાબા માર્બલથી લાભ બંગલોઝ સુધી વરસાદી ગટર લાઇન નાખવાનું કામ રૂ. 23.97 લાખ + GSTના દરે મંજૂર થયું. પાણી પુરવઠા માટે ટેન્કર ભાડે લેવા રૂ. 200 લાખની મર્યાદાને વધારી 350 લાખ કરવામાં આવી હતી.
મહાપાલિકામાં ફાયર સાધનોની ખરીદી મામલે પોલીસ ફરિયાદની માંગ
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠકમાં આજે ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં ગેરરીતિ અંગે ગંભીર ચર્ચા થઈ હતી. મળતી માહિતી મુજબ, તાજેતરમાં કરાયેલી ખરીદીમાં ભાવોમાં ગડબડ થઈ હોવાના આક્ષેપો થયા છે. કેટલાક સભ્યોનો મત હતો કે સમગ્ર મામલો પારદર્શક બને તે માટે પોલીસ ફરિયાદ દાખલ કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે ફરિયાદ થતાં હકીકત બહાર આવશે. વધુમાં સભ્યો દ્વારા એવી પણ રજૂઆત થઈ કે જે એજન્સીએ સાધનોના ભાવ યોગ્ય હોવાનો દાવો કર્યો હતો તેના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ. આ મુદ્દે બેઠક દરમિયાન સભ્યોમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. હાલ સમિતિ તરફથી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સભ્યોની માંગને પગલે હવે મામલો આગળ ધપશે તેવી સંભાવના છે.