જુ. ક્લાર્ક બાદ MPWના 10 કર્મીઓએ રાજીનામા આપતા પાલિકા હરકતમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલિકાને સ્વછતા અંગે ટકોર કરી હતી
વડોદરા: મહાનગરપાલિકામાં તાજેતરમાં થયેલી MPW (મલ્ટી પર્પઝ વર્કર) ભરતીમાં નવા વળાંક આવ્યા છે. ભરતી પૂર્ણ થયા બાદ દસ જેટલા ઉમેદવારોએ અન્ય જગ્યાએ જોડાવા માટે વડોદરા પાલિકામાંથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે ખાલી પડેલા પદો માટે પાલિકા દ્વારા વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં સામેલ સાત ઉમેદવારોને હવે શહેરના અલગ અલગ વોર્ડમાં નિમણૂક આપવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતમિત્રે MPW ના રાજીનામા અને વેઈટિંગ લિસ્ટ જાહેર ન કરવા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ પાલિકાએ 7 MPW ને નિમણૂક આપી છે. નિમણૂક બાદ પાલિકાની અંદર સ્વચ્છતા જાળવવા માટેના કર્મચારીઓની નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પણ સ્વચ્છતા મુદ્દે વડોદરા પાલિકાની કામગીરી અંગે સીધી ટકોર કરી હતી.
જો કે, આ નિમણૂક અંગે પાલિકાના પદાધિકારીઓને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી. પાલિકાના આંતરિક સ્તરે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને કમિશનર અરુણ મહેશ બાબુ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહે ચાર્જ સંભાળ્યા બાદથી પદાધિકારીઓ અને પ્રશાસન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિઓ ઉભી થતી રહે છે. હાલની નિમણૂકની પ્રક્રિયા અંગે પણ પદાધિકારીઓ અજાણ હોવાને કારણે ફરીથી મતભેદની સ્થિતિ ઊભી થઈ છે. સ્વચ્છતા મામલે કર્મચારીઓની અછતને કારણે છેલ્લા ઘણા મહિનાથી પાલિકાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ભરતી પ્રક્રિયા બાદ પણ ઉમેદવારોના રાજીનામા આપવાથી પરિસ્થિતિ વધુ કઠિન બની હતી. હવે વેઇટિંગ લિસ્ટમાંથી સાત ઉમેદવારોને કાર્યભાર સોંપાતા કેટલાક વોર્ડમાં રાહત મળી શકે તેવી સંભાવના છે. જોકે, પ્રશાસન અને પદાધિકારીઓ વચ્ચે સંકલન ન હોવાને કારણે અમલમાં વિલંબ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
બ્યુરોક્રેસી હાવી : પદાધિકારીઓને જાણ કર્યા વગર MPW અને જુનિયર ક્લાર્કની નિમણૂક
પાંચ પદાધિકારીઓ પૈકી એકપણ પદાધિકારીને તાજેતરમાં થયેલી MPWની નિમણૂક અંગે અને જુનિયર ક્લાર્કના નિમણૂકની જાણ કરાઈ નથી. અગાઉ નિમણૂકો આપવા માટે પાંચ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં ઉમેદવારોને જાહેરમાં નિમણૂક પત્રો આપવામાં આવતા હતા. પરંતુ, તાજેતરમાં જાહેર થયેલા બે વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને સીધી જ નિમણૂક આપી દેવાઇ અને પદાધિકારીઓને જાણ પણ કરાઈ નહીં. આમ, પાલિકામાં છેલ્લા ઘણા સમયથી બ્યુરોક્રેસીનો દબદબો વધી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.