પાણી પુરવઠા, ડ્રેનેજ, ટાઉન પ્લાનિંગ સહિતના વિભાગોમાં લાંબા સમયથી કાર્યરત ઇજનેરોનો દબદબો
15 ઇજનેરો સિવાય બાકીના ઇજનેરોની સમયાંતરે બદલી થતી રહી છે
વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ઇજનેરોને લઈ હવે ચર્ચા શરૂ થઈ છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગ, વરસાદી ગટર વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને રોડ વિભાગ સહિતના વિભાગોમાં 15 જેટલા ઇજનેરો એવા છે કે, તેમની ઘણા સમયથી બદલી થઈ નથી. માહિતી મુજબ, કેટલાક ઇજનેરો એવા છે કે, તેમની નિમણૂક થયે ત્યારથી આજદિન સુધી તે જ વિભાગમાં અથવા એ જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય રીતે મહાનગરપાલિકામાં સમયાંતરે ફરજોમાં ફેરફાર થતો હોય છે, જેથી અધિકારીઓ અને ઇજનેરો વચ્ચે સમતોલ કામગીરી રહે. વધુમાં, જે તે વિભાગોમાં કોન્ટરકટરોનું રાજ અટકાવી શકાય અને કોઈ અધિકારીઓ મોડસ ઓપરેન્ડી હોય તો તે પણ તૂટી શકે. પરંતુ હાલની સ્થિતિમાં કેટલાક ઇજનેરોના કેસમાં લાંબા સમયથી કોઈ બદલી ન થવી પ્રશ્નાર્થ બની છે. બીજી તરફ, આ 15 ઇજનેરો સિવાયના બાકીના ઇજનેરોની સમયાંતરે બદલી થઈ રહે છે. એક અંદાજ મુજબ ત્રણ કે ચાર વર્ષે આવી બદલી થતી હોય છે.
વધુમાં કેટલાક ઇજનેરોની શરૂઆતની નિમણૂક ટાઉન પ્લાનિંગ વિભાગમાં થઈ હતી, પરંતુ હાલ તેઓ બ્રિજ, વરસાદી ગટર કે ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવે છે. જ્યારે કેટલાક એવા છે કે, જેમની નિમણૂક ડ્રેનેજ કે વરસાદી પ્રોજેક્ટ વિભાગમાં થઈ હતી પરંતુ હાલમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં કાર્યરત છે. આથી વિભાગોમાં કાર્યોનું વિતરણ અને જવાબદારી અંગે પણ ગૂંચવણ ઊભી થઈ રહી છે. પાલિકાના તમામ વોર્ડમાં ફરજ બજાવતા ઇજનેરો વિશે પણ એવી જ સ્થિતિ છે. ઘણા ઇજનેરો એવા છે કે, વર્ષોથી એક જ વોર્ડમાં રહીને કામ કરી રહ્યા છે. અધિકૃત સ્તરે ચર્ચા છે કે, કેટલાક ઇજનેરો પોતાના માનીતા અધિકારીઓના કારણે તે જ જગ્યાએ રહી ગયા છે. જ્યારે નવી બદલી પ્રક્રિયા હાથ ધરવામાં વિલંબ થવાથી પણ આ સ્થિતિ યથાવત રહી છે. પાલિકાના સુત્રો જણાવે છે કે, આવનારા સમયમાં વિભાગવાર સમીક્ષા કરીને જરૂરી હોય ત્યાં બદલી કરવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ નથી. તેથી લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ઇજનેરોની સ્થિતિ પર હાલ પણ પ્રશ્નચિહ્ન યથાવત છે.
દક્ષિણ ઝોનમાં કાર્યપાલક ઇજનેરનો વર્ષોથી અડિંગો
પાલિકાના ચાર ઝોનમાં પણ સમયાતંરે અધિકારીઓ અને કર્મીઓની બદલી થતી રહી છે. પરંતુ, દક્ષિણ ઝોનમાં કેટલાક એવા અધિકારીઓ અને કર્મીઓ છે કે જેમની વર્ષોથી બદલી જ નથી થઈ. જ્યારે દક્ષિણ ઝોન સિવાયના ઝોનમાં સમયાંતરે બદલી થતી રહે છે. દક્ષિણ ઝોનમાં કાર્યપાલક ઇજનેર વર્ષોથી એક જ જગ્યાએ છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ દક્ષિણ ઝોનમાં કામોને લઈને કાઉન્સિલરોને કમિશનર સુધી રજૂઆત કરવી પડી હતી.
એક અધિકારીને ત્રણ-ત્રણ ચાર્જ, અનેક વિભાગો હવાલાના ભરોસે
ઇજનેરી વિભાગ પણ સિક્યોરિટી અમલદારના ભરોસે, શહેર વધ્યું, પરંતુ ઇજનેરો ન વધ્યા
પાલિકાના મવિભાગો હવાલાના અધિકારીઓના ભરોસે ચાલી રહ્યા છે. અનેક વિભાગો એવા છે જ્યાં કાયમી અધિકારીઓ નથી. તો કેટલાક એવા અધિકારીઓ પણ છે જેમને એક કરતા વધુ ચાર્જ આપી દેવાયા છે. પાણી વિતરણ, પાણી સોર્સ, સુએઝ વિભાગ, બ્રિજ વિભાગ ટાઉન પ્લાનિંગ વિભાગ પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ હવાલાના અધિકારીઓના ભરોસે ચાલી રહ્યા છે. મહત્વનું છે કે, પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાં ઇજનેરીનું કામ હોવા છતાં આ વિભાગનો ચાર્જ સિક્યોરિટી વિભાગના અમલદારને સોંપી દેવાયો છે. વધુમાં, કેટલાક વિભાગો તો એવા છે કે જેમાં એક જ અધિકારી એક વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર, બીજા વિભાગમાં મદદનીશ ઇજનેર તો વળી ત્રીજા વિભાગમાં કાર્યપાલક ઇજનેર બની જાય છે. આમ, શહેરની વસ્તી વધી છે, શહેરનો વ્યાપ વધ્યો છે છતાં હજુ પણ પાલિકામાં ઇજનેરોની ભરતી કરાઈ નથી અને જે ઈજનેરો છે તેમાં પણ આડેધડ ચાર્જ આપી દેવાયા છે.