શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે મહાપાલિકાનું વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ
નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પાલિકાનો પ્રયાસ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા–2025” અને “શહેરી વિકાસ વર્ષ–2025”ના ભાગરૂપે શહેરને વધુ સ્વચ્છ અને આકર્ષક બનાવવા માટે વિશેષ વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ નાગરિકોમાં સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા, જળ સંરક્ષણ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાનો છે. તા. 25 સપ્ટેમ્બર 2025ના રોજ સુરસાગર તળાવ આસપાસ “એક દિવસ, એક કલાક, એક સાથે – સ્વચ્છતા માટે શ્રમદાન” કાર્યક્રમ સાથે આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના જુબેલી બાગ, કારેલીબાગ, તરસાલી, ગોત્રી, છાણી, અકોટા અને અલકાપુરી જેવા વિસ્તારોમાં દિવાલો પર સ્વચ્છતા સંદેશ આપતી રંગીન કલાકૃતિઓ બનાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 290 સ્થળોએ વોલ પેઇન્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. બસ સ્ટેન્ડ, સર્કલ, ઉદ્યાન, વોર્ડ કચેરી, સ્ટેડિયમ જેવી જાહેર જગ્યાઓ પર પણ પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. આગામી તબક્કામાં 50થી વધુ સ્થળોએ નવા પેઇન્ટિંગ શરૂ થવાના છે.
આમાં શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, છાણી સીએચસી સેન્ટર, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સાધુ વાસ્વાની સ્કૂલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ઋષિ વિશ્વામિત્ર સ્કૂલ, માય શેનન સ્કૂલ, આદર્શ વિદ્યાલય, મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યુશન સહિત અનેક જગ્યાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી આ અભિયાનને વધુ પ્રોત્સાહન મળ્યું છે. મહાનગર પાલિકા મુજબ, યુવા કલાકારો, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકોના સહકારથી શહેરના સૌંદર્યમાં વધારો થવા સાથે જાગૃતિનો સંદેશ પણ પ્રસરે છે. મહાનગર પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સર્જનાત્મક પ્રયાસમાં જોડાઈને સ્વચ્છ અને સુંદર વડોદરા બનાવવા માટે પોતાનો ફાળો આપે.