પાલિકાની હાલની કોન્ટ્રાક્ટના સિક્યોરિટી ગાર્ડે પૂર્વ સિક્યોરિટીના કર્મચારી અને સામાજિક કાર્યકર પંકજ પાટિલ તથા ઇન્દ્રવદન રાઠોડ પર હુમલો કરતા બંને ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની હકીકત એવી છે કે પાલિકાની હાલ કોન્ટ્રાક્ટ પર ચાલતી સિક્યોરિટીના માણસો માંજલપુર અતિથી ગૃહ, વોર્ડ ૧૭,૧૮ સેવાસદનની કચેરી ખાતે ફરજ બજાવે છે. સિક્યોરિટીના જવાનને પંકજ પાટિલ અને ઇન્દ્રવદન રાઠોડ પૂછવા ગયા હતા કે તમારો પગાર થયો ? ત્યારે ત્યાં ફરજ બજાવતા સિક્યોરિટી જવાને કહ્યુ હતું કે અમારો પગાર નથી થયો. ત્યારબાદ તે માંજલપુર આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા ખાનગી સિક્યોરિટીના ગાર્ડને પૂછવા ગયા હતા કે તેમની પગાર થયો ત્યારે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ ફરજ ન બજાવી રૂમમાં રોટલી બનાવતા નજરે પડ્યાં હતાં. ત્યારે પંકજ પાટિલ અને ઇન્દ્રવદન રાઠોડે તેઓને પૂછતા કે આ શું કરી રહ્યા છો તો પાલિકાએ કોન્ટ્રાક્ટ પર રાખેલા ખાનગી સિક્યોરિટી ગાર્ડએ પંકજ પાટિલ અને ઇન્દ્રવદન રાઠોડ જોડે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ કોઈને ફોન કરી માણસો બોલાવી પંકજ પાટિલ અને ઇન્દ્રવદન રાઠોડને માર માર્યો હતો.જેથી પંકજ પાટિલ અને ઇન્દ્રવદન રાઠોડને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇન્દ્રવદન રાઠોડે પોલીસને ફોન કરતાં માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે હુમલો કરનાર પાલિકા સિક્યોરિટીના સુપરવાઈઝર અને અન્ય ઈસમો ભાગી ગયા હતા. હાલ ઇન્દ્રવદન રાઠોડ અને પંકજ પાટિલ સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.