વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર લાઈટોના અંડરગ્રાઉન્ડ કેબલો જર્જરિત થઈ જતા તે બદલીને 2.37 કરોડના ખર્ચે નવા નાખવામાં આવનાર છે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર સેન્ટ્રલ અને સાઈડ લાઇટિંગ કરવામાં આવ્યા છે. આ માટે અંડર ગ્રાઉન્ડ કેબલો નાખવામાં આવ્યા છે. આ કેબલો વર્ષો જુના હોવાથી જર્જરિત થતાં અવારનવાર શોર્ટ સર્કિટ અને કેબલ ફોલ્ટ થયા કરે છે. પરિણામે લાઇટો બંધ રહે છે, આ સમસ્યાના નિવારણ માટે જર્જરિત કેબલો બદલવાની આવશ્યકતા ઊભી થઈ છે. કોર્પોરેશન દ્વારા આ માટે છ વખત ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. આ કેબલો આશરે 10 વર્ષ જૂના થઈ ગયા છે, અને અંદાજે 90 કિલોમીટર લંબાઇમાં કેબલો બદલવાના થશે. વર્ક ઓર્ડર આપ્યા બાદ કેબલ બદલવાની કામગીરી આશરે છ મહિના ચાલે તેવી સંભાવના છે. કોર્પોરેશન આની સાથે-સાથે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર સેન્ટ્રલ અને સાઇડ લાઇટિંગ માટે એલઈડી ફિટિંગ્સ પણ 2.13 કરોડના ખર્ચે ખરીદવાની છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)