Vadodara

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ મોટા પ્રોજેક્ટ માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્તો રજૂ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને સેવાઓના વિસ્તરણ માટે ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સંબંધિત દરખાસ્તો સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી માટે રજૂ કરવામાં આવી છે. આમાં અગ્નિશાંતિ શાખાના યુનિફોર્મ ખરીદીથી લઈને અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ અને માર્ગ ચિહ્નન કાર્યનો સમાવેશ થાય છે. પાલિકાના ફાયર શાખાના કર્મચારીઓ માટે વર્ષ 2024-25ના બ્લોક પેટે જરૂરી યુનિફોર્મ ખરીદવા માટે રૂ. 39,83,572ના ખર્ચે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ રકમ મૂળ અંદાજ કરતાં 4.78% ઓછી છે. બે ઇજારદારોમાંથી ઓછું દર આપનાર મે. પ્રિશા એન્ટરપ્રાઇઝનુ ટેન્ડર મંજૂર કરાયું છે. અધિકારીઓ માટે દરેક યુનિફોર્મ સેટ રૂ. 25,220 અને કર્મચારીઓ માટે રૂ. 17,796 ની કિંમતે ઉપલબ્ધ રહેશે.

ઉત્તર ઝોનના શિયાબાગ વિસ્તારમાં આવેલા જુના વોર્ડ નં. 5ની કચેરીને તોડી, ત્યાં નવી અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે રૂ. 1,43,17,162ના ખર્ચે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ રકમ અંદાજિત ખર્ચ કરતાં 18% વધુ છે. કાર્ય માટે વ્રજરાજ કન્સ્ટ્રક્શન કંપનીને પસંદ કરવામાં આવી છે. કામમાં લેબોરેટરી, ઓપીડી, લેડીઝ-જેન્ટ્સ વોર્ડ અને ઇમ્યુનાઇઝેશન રૂમનો સમાવેશ થાય છે. દક્ષિણ ઝોનમાં વિવિધ રસ્તાઓ પર લાઈનમાં થર્મોપ્લાસ્ટીક પેઈન્ટથી માર્કિંગ કરવા માટે રૂ. 1,10,00,000ના અંદાજ સામે માત્ર એક ઇજારદાર, મે. શ્રીજી કન્સ્ટ્રક્શન કંપનીનો ભાવપત્ર મળ્યો છે. કંપનીએ અંદાજ કરતાં 34.30% ઓછી કિંમત રૂ. 73,37,000માં કામ કરવાની સંમતિ આપી છે. આ તમામ પ્રોજેક્ટોની દરખાસ્તોને આગામી સ્થાયી સમિતિ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ અમલમાં મૂકવામાં આવશે.

Most Popular

To Top