શહેરના કિશનવાડી વિસ્તારમાં પાલિકાની દબાણ શાખા દ્વારા રસ્તામાં અડચણરૂપ ગેરકાયદેસર ઓટલા સહિતના બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરના પૂર્વ નગરસેવકના એકના એક પુત્રની કરપીણ હત્યા બાદ વડોદરાનું સ્થાનિક પ્રશાસન અને પોલીસ સફાળું જાગ્યું છે અને છેલ્લા નવ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો જેમાં લારીઓ,શેડ્સ ઓટલા સહિતના બાંધકામો ને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે . લોકોના વિરોધને અવગણીને પાલિકા તંત્ર દ્વારા મજબૂતતાથી અને તટસ્થતા સાથે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જેમાં પોલીસ પ્રશાસન સાથે રહીને કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજરોજ શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા કિશનવાડી થી મહાકાળી સોસાયટી તરફના રસ્તે રોડ બનાવવાની કામગીરીમાં અવરોધરૂપ ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન અહીં 16 જેટલા ઓટલાઓ સહિતના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.આ કામગીરી દરમિયાન પોલીસ પણ સાથે રહી હતી.પાલિકાની દબાણ શાખાના ઇન્સ્પેક્ટર કમલેશભાઇ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.