Vadodara

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ‘હાઉસ ફોર ઓલ’ તરફ મોટું પગલું: સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી

વડોદરા:;સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ૧.૦ (PMAY 1.0) હેઠળ ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં મળી કુલ લગભગ ૪ કરોડ આવાસો પૂર્ણ થયા છે, જે આવાસ ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ છે. યોજના ૨.૦ (PMAY 2.0) હેઠળ શહેરી વિસ્તારોમાં ૧ કરોડ નવા આવાસો બાંધવાનો લક્ષ્ય નક્કી કરાયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી આ યોજના “ગરીબ કલ્યાણ”ના ધ્યેય સાથે ગરીબ અને મધ્યમ વર્ગને સુરક્ષિત, સુવિધાસભર આવાસ પૂરો પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. વીજળી, પાણી, શૌચાલય, લિફ્ટ, બાળકોના રમવાના મેદાન, ગાર્ડન અને પાકા રસ્તા જેવી આધુનિક સુવિધાઓ સાથે આવાસો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી ખાતે ૩૫૮, સયાજીપુરા ખાતે ૩૦૮, સેવાસી ખાતે ૨૧૯ અને ભાયલી ખાતે વિવિધ એફ.પી.માં કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું છે. ભાયલી અને કલાલી સહિતના વિસ્તારોમાં બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં જૂન–૨૦૨૬ અને ડિસેમ્બર–૨૦૨૬ સુધી મોટા ભાગના આવાસો તૈયાર થવાની શક્યતા છે.

ડૉ. મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ફાળાં બાકી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાએ સ્વભંડોળમાંથી ખર્ચ કરીને આવાસોની કામગીરી પૂર્ણ કરી છે અને લાભાર્થીઓ પાસેથી વધારાનો ભાર ન આવે તે માટે રૂ. ૩૧ કરોડ જેટલી વધારાની રકમ પણ કોર્પોરેશને ભોગવવાની મંજૂરી આપી છે.

ડ્રો પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી લાભાર્થીઓનો સમય બચાવવામાં આવ્યો છે અને તમામ આવાસોની કામગીરી પૂર્ણ થયા બાદ ચાવી વિતરણ માટે અલગ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ રીતે નાગરિકોના પૈસા અને સમય બચે તે દિશામાં યોગ્ય અને જવાબદાર નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું ડૉ. મિસ્ત્રીએ જણાવ્યું હતું

Most Popular

To Top