Vadodara

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી જંગ, લોકશાહીના પર્વ માટે વહીવટી તંત્ર સજ્જ, EVM મશીનોનું ફાળવણી પત્રક જાહેર

(પ્રતિનિધિ), વડોદરા. તા.12

વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા ‘ઝીરો એરર’ પોલિસી સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. શહેરના તમામ 19 વોર્ડમાં શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનોની ફાળવણી અને રિઝર્વ જથ્થાનું આયોજનફાઈનલ કરી દેવામાં આવ્યું છે.

શહેરના ભૌગોલિક વિસ્તારને આધારે તૈયાર કરવામાં આવેલા 1131 મતદાન મથકો પર આધુનિક ટેકનોલોજીથી સજ્જ મતદાન મશીનો તૈનાત કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા દરેક વોર્ડ માટે જવાબદાર અને અનુભવી કલેક્ટર સ્તરના અધિકારીઓને ‘ચૂંટણી અધિકારી’ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાને રાખીને બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી . આ વખતે તંત્ર દ્વારા 10% વધારાના મશીનો રિઝર્વ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી ટેકનિકલ ખામીના કિસ્સામાં મતદાન પ્રક્રિયામાં સહેજ પણ વિલંબ ન થાય.

કુલ 1251 કંટ્રોલ યુનિટ અને 2502 બેલેટ યુનિટ ના જંગી જથ્થા સાથે તંત્ર સજ્જ છે. જેમાં 120 CU અને 240 BU સંપૂર્ણપણે રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તમામ મશીનો માટે પૂરતા પ્રમાણમાં પાવરપેક (બેટરી) ની પણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ચૂંટણી અધિકારીઓને તા. 12/04/2026 ના રોજ સવારે 11:00 કલાકે પાવર હાઉસ ઈજનેરની દેખરેખ હેઠળ પોતાની સામગ્રી મેળવી લેવા કડક સૂચના અપાઈ હતી,આ સાથે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તંત્રનો દાવો છે કે દરેક મતદાર નિર્ભય અને નિષ્પક્ષ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Most Popular

To Top