વિવાદાસ્પદ ટીડીઓ જીતેશ ત્રિવેદીને ફરી એક્સ્ટેન્શન આપવાનો તખ્તો તૈયાર?
વડોદરા; રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના ત્યાંની મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપર તવાઈ ઉતરી છે. જે તે સમયે જે તે અધિકારીઓએ આચરેલી ગોબાચારી અને બેદરકારીના પોટલાં ખોલવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટ કરતા વસતિ અને વિસ્તારમાં મોટા એવા વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર રાજકોટની ઘટના પછી વડોદરા માટે કોઈ ધડો લેવા તૈયાર નથી એવું ચિત્ર ઉપસી રહ્યું છે. કેમકે વડોદરામાં કમિશનર પછી મહત્વની માનવામાં આવતી સિટી ઇજનેર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસની જગ્યા ઘણા સમયથી ખાલી છે અને ઇન્ચાર્જથી ગાડું ચલાવવામાં આવી રહ્યું છે. આ જગ્યાઓ માટે કોઈ અધિકારી મળતા નથી કે પોતાના માનીતા અધિકારીઓને આ જગ્યા ઉપર કમાણી કરવાનો ખેલ ચાલી રહ્યો છે, તે સવાલો ઊભા થયા છે.
મહાનગરપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના ટીડીઓ જીતેશ ત્રિવેદીને જુનના અંતે નિવૃત્ત કરવા પડે એમ છે, પરંતુ તેમને વધુ એક્સ્ટેન્શન્સ આપવા માટે રમત શરૂ થઈ છે. આ પોસ્ટ માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી હોવા છતાં સ્થાનિક સ્તરે જ ખેલ પાડી દેવાની વેતરણ લોકસભા ચૂંટણી પહેલાથી શરૂ થઈ ગઈ છે. હાલમાં મહાનગરપાલિકાની ટીમો ઠેર ઠેર સિલ મારવા નીકળી છે, તો અત્યાર સુધી જે લાલિયાવાડી ચાલી તેમાં ત્રિવેદીની ભૂમિકાની તપાસ કોણ કરશે? રાજકોટના ટીડીઓ સાગઠીયા પર સરકારની તવાઈ આવી છે, તેનાંથી પણ મોટા ખેલાડી આ વડોદરાના ટીડીઓ છે. એસીબીએ કરેલા કેસમાંથી પણ આ ત્રિવેદીને તેમના રાજકીય આકાઓ બહાર લઈ આવ્યા છે. હવે રાજકોટ જેવા કાંડ વડોદરામાં ના થાય એ માટે રાજ્ય સરકારના હસ્તક્ષેપની જરૂર જણાઈ રહી છે.
આવી જ રીતે ચીફ ઇંજનેર અને ચીફ ફાયર ઓફિસર જગ્યાઓ પણ મજમુદાર અને બ્રહ્મભટ્ટ અટકધારી વિવાદાસ્પદ અધિકારીઓથી ચાલી રહી છે. તેમને પણ રાજકારણીઓના આશીર્વાદ હોવાથી આ જગ્યાઓ ભરવામાં આવતી નથી. શહેરમાં ફાયરના જે ધુપ્પલ બહાર આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધી આ વિભાગના અધિકારીઓએ શું જોયું તે પણ તપાસનો વિષય છે.
વડોદરાના સ્થાનિક રાજકારણીઓના ભરોસે રહેવાને બદલે રાજ્ય સરકાર સક્રિય થઈ વડોદરામાં સારા અધિકારીઓ નિયુક્ત કરે એવું શહેરની પ્રજા ઈચ્છી રહી છે.
