આવક વધારવા ₹200 કરોડના ‘બ્લ્યુ મ્યુનિસિપલ બોન્ડ’ અને સરકારી પ્લોટ્સની હરાજી દ્વારા ₹300 કરોડ મેળવવાનું આયોજન
પાછલા દાયકાની સરખામણીએ વિકાસ કામોના ખર્ચમાં બમણો ઉછાળો; ચાલુ વર્ષે ₹1,800 કરોડ ચૂકવવાનો લક્ષ્યાંક


વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2025-26નું રિવાઇઝડ બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા રજૂ કરાયેલા કરવેરાના ભારણ વિનાના આ બજેટને મંજૂરી આપતા ચેરમેને શહેરના સર્વાંગી વિકાસ માટે ‘વિઝન 2047’નો એક્શન પ્લાન રજૂ કર્યો હતો.
સ્થાયી સમિતિ ચેરમેને બજેટમાં મહત્વકાંક્ષી લક્ષ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં વડોદરાને સંપૂર્ણપણે ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપવા સાથે મનોરંજન માટે ‘એક્વાટિક પાર્ક’ બનાવવાનું પણ આયોજન છે.
શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ઈ-બસની સુવિધા શરૂ કરવામાં આવશે. હવાની ગુણવત્તા સુધારવા માટે ‘સ્મોગ ગન’નો ઉપયોગ અને છ મુખ્ય રોડ કોરિડોર પર મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. શહેરના ચાર મુખ્ય પ્રવેશદ્વારો પર આકર્ષક ગેટ અને ગૌરવ પથ બનાવવામાં આવશે.
વિશ્વામિત્રી નદીના સંદર્ભમાં ‘ક્રોકોડાઈલ ઓબ્ઝર્વેશન ઝોન’ અને સેવાસી, ભાયલી તથા છાણી ખાતે ‘કેનાલ ફ્રન્ટ પાર્ક’ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે ખાસ સુવિધાયુક્ત પાર્ક બનાવવાની પણ જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
– બજેટના મુખ્ય આંકડા અને નાણાકીય પાસાં
*કુલ બજેટ કદ: ₹7609.63 કરોડ.
*વિકાસ કામો માટે ફાળવણી: ₹2455 કરોડ.
*વધારાની આવકનું આયોજન: પ્લોટ્સની હરાજી દ્વારા ₹250-300 કરોડની આવક ઉભી કરાશે.
*બ્લ્યુ મ્યુનિસિપલ બોન્ડ: જળ વ્યવસ્થાપન અને પર્યાવરણ માટે ₹200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે.
*વહીવટી ખર્ચ: કુલ બજેટના 48% હિસ્સો પગાર અને વહીવટી ખર્ચ પાછળ ખર્ચાશે.
– નવી નીતિઓ દ્વારા સુદ્રઢ શાસન
શહેરના વ્યવસ્થિત વિકાસ માટે અનેક નવી પોલિસીઓ જાહેર કરવામાં આવી છે:
*પાર્કિંગ અને એન્ક્રોચમેન્ટ પોલિસી: ટ્રાફિક સમસ્યા નિવારવા માટે.
*એનિમલ બર્થ કંટ્રોલ અને કેટલ ન્યુસન્સ કંટ્રોલ: રખડતા ઢોર અને પ્રાણીઓના ત્રાસ સામે.
*ગ્રીન સીટી ઈનીસીએટીવ: અર્બન ગ્રીનિંગ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર ભાર.
*મહિલા સુરક્ષા: શહેરમાં ‘પિંક ટોયલેટ’, ‘પિંક ફીડિંગ રૂમ’ અને મહિલા-યુથ હોસ્ટેલનું નિર્માણ.
આર્થિક અને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા
*સૌર ઊર્જા: 14 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ દ્વારા વીજ બિલમાં ઘટાડો કરી ટકાઉપણું વધારાશે.
*રોકાણ: પીપીપી (PPP) મોડ પર કન્વેન્શન સેન્ટર અને ગ્રીન કન્સ્ટ્રક્શન શોપ દ્વારા આર્થિક વિકાસને વેગ અપાશે.
*ડિજિટલ પેમેન્ટ: વેરા બિલમાં QR કોડની સુવિધા અપાશે જેથી નાગરિકો સરળતાથી ટેક્સ ભરી શકે.
વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ: લાલબાગથી જેલ રોડ સુધી બનશે ‘એલીવેટેડ કોરિડોર’
વડોદરા: શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા લાલબાગથી જેલ રોડ સુધીના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પાલિકા દ્વારા એલીવેટેડ કોરિડોર બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. બજેટ રજૂ કરતા સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં સર્વે અને ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના અન્ય મહત્વના આયોજનો:
*નવી પાલિકા ઇમારત: પાલિકાની જૂની જર્જરિત ઇમારતોને તોડીને તેના સ્થાને આધુનિક સગવડો ધરાવતી નવી ઇમારતો બનાવવામાં આવશે, જ્યારે કેટલીક જૂની મિલકતોનું રિનોવેશન કરી નાગરિક સુવિધા માટે ઉપયોગમાં લેવાશે.
*આર્બિટ્રેશન કેસોમાં સમાધાન: કોર્પોરેશન પર વધતું આર્થિક ભારણ ઘટાડવા માટે સિનિયર વકીલોની એક તટસ્થ સમિતિ બનાવાશે. આ સમિતિ પેન્ડિંગ આર્બિટ્રેશન કેસોમાં મધ્યસ્થી કરી સમાધાનકારી વલણ અપનાવશે, જેથી કાયદાકીય ગૂંચ અને નાણાકીય નુકસાન ટાળી શકાય.
– વડોદરાના વિકાસમાં ‘બૂસ્ટર ડોઝ’: પાંચ વર્ષમાં કેપિટલ ખર્ચ બમણો, ₹1800 કરોડ ચૂકવવાનો લક્ષ્યાંક
વડોદરા: પાલિકાના બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ માટે માત્ર પોલિસી જ નહીં, પણ પ્રોજેક્ટ્સના અમલીકરણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. છેલ્લા એક દાયકાની સરખામણીએ વિકાસ કામોના ખર્ચમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ વાર્ષિક સરેરાશ ₹600 કરોડનો કેપિટલ ખર્ચ થતો હતો, જે હવે વધીને રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.
વિકાસ ખર્ચના વધતા આંકડા:
1.2021-22: ₹680 કરોડ
2.2022-23: ₹701 કરોડ
3.2023-24: ₹1107 કરોડ
4.2024-25: ₹1546 કરોડ
5.ચાલુ વર્ષ 31 જાન્યુઆરી સુધી: ₹1246 કરોડના ચુકવણા પૂર્ણ
ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કુલ ₹1800 કરોડ ચૂકવવાનો લક્ષ્યાંક છે. વર્ષ 2025માં સ્થાયી સમિતિ દ્વારા અંદાજે ₹2000 કરોડથી વધુના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ચેરમેનના જણાવ્યા અનુસાર, હવે પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે તેના સતત મોનિટરિંગ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.