વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામોમાં શિયાબાગ વિસ્તારમાં નવું હેલ્થ સેન્ટર બનાવવાનું કામ પણ સામેલ છે. હાલમાં આ જગ્યાએ વોર્ડ ઓફિસની કચેરી કાર્યરત છે. અગાઉ અહીં બે અલગ-અલગ વોર્ડના હેલ્થ સેન્ટર ચાલી રહ્યા હતા, જેને કારણે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા હતા. નવું હેલ્થ સેન્ટર બન્યા બાદ લોકોને સારવાર માટે સારી સગવડ મળશે. બીજું કામ દક્ષિણ ઝોનમાં થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી રસ્તા ઉપર પટ્ટા પાડવાનું છે. આ કામ માટે શરૂઆતમાં 1.10 કરોડ રૂપિયાની અંદાજિત કિંમત જણાવવામાં આવી હતી, પરંતુ હવે આ કામ 50 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. આ કામ શ્રીજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવશે. વધુમાં મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગના કર્મચારીઓ માટે શિયાળામાં વાપરવાના ગરમ યુનિફોર્મ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે 39.83 લાખ રૂપિયાની અંદાજિત કિંમતનો ખર્ચ મંજૂર કર્યો છે. સ્થાયી સમિતિની બેઠક ગણતરીની મિનિટોમાં પૂરી કરવામાં આવી હતી. આ બેઠક પૂર્વે યોજાયેલી સંકલન બેઠકમાં કેટલાક સભ્યોએ પોતાના વિસ્તારોમાં પાણીની તંગી અને દબાણ અંગે રજૂઆત કરી હતી.