ઇલેક્ટ્રિફિકેશનના સુધારા માટે 1 કરોડના કામને 50 લાખ સુધી મર્યાદિત કરાયું
ટેન્કર ઈજારા માટે મહિલા સભ્યે બુમાબુમ સાથે 3.5 કરોડમાંથી 2 કરોડ સુધી મર્યાદા કરાવી, અન્ય ચાર કામોમાં પણ ફેરફાર સાથે મંજૂરી
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની ગતરોજ યોજાયેલી બેઠકમાં કુલ 31 કામોને મંજૂરી આપવામાં આવી. જેમાં 30 કામો નિયમિત અને એક વધારાનું કામ હતું. આ તમામ કામોમાંથી ચાર કામો એવા રહ્યા જેમાં ફેરફાર કર્યા પછી મંજૂરી આપવામાં આવી હતી. બેઠક પૂર્વે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ટેન્કર ઈજારાના કામને લઈને વિરોધ કરવા ટેવાયેલા એક મહિલા સભ્યે ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલો પાણી પુરવઠા વિભાગથી સંબંધિત છે, જેમાં અછતના સમયે પાણી વિતરણ માટે 3.50 કરોડના અંદાજે ટેન્કર ભાડે લેવાનું કામ હતું. આ કામ રાજેશ સચદેવને ઈજારા રૂપે આપવાનું હતું. પરંતુ મહિલા સભ્યએ આ ખર્ચને વધુ ગણાવતા આ કામને નામંજુર કરવાની જીદ પકડી હતી. આખરે ચર્ચા બાદ આ કામને 2 કરોડની મર્યાદામાં મંજૂરી આપવાની સંમતિ આપવામાં આવી.
તે સિવાય, વિવિધ સરકારી બિલ્ડિંગોમાં ઇલેક્ટ્રિફિકેશનના સુધારા માટે 1 કરોડના કામને 50 લાખ સુધી મર્યાદિત કરાયું હતું. આ મુદ્દે પણ કેટલાક સભ્યો વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો, જેના કારણે વધુ ચાર કામોમાં ફેરફાર કરવો પડ્યો. બેઠક બાદ લાલકોર્ટ ઇમારતમાં કરાયેલા લાઇટિંગ કામને લઈને પણ અન્ય એક મહિલા સભ્યએ સવાલ ઉઠાવતાં મિટિંગમાં ફરી એકવાર ગરમાઈ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપ પ્રમુખ દ્વારા અવાર નવાર ટકોર કરવા છતાં વિરોધ કરવા ટેવાયેલા કેટલાક સભ્યો પોતાની આદત છોડી નથી રહ્યા.