મેયર પિન્કી સોનીએ બે મિનિટનું મૌન પાળ્યા બાદ સભા મુલતવીની જાહેરાત કરી
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે શોકપ્રસ્તાવ પસાર કર્યા બાદ મુલતવી રાખવામાં આવી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચોટાલા, પ્રખ્યાત તબલાવાદક ઝાકીર હુસેન અને જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલના અવસાન પર સભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
સામાન્ય સભામાં મેયર પિન્કીબેન સોનીના નેતૃત્વ હેઠળ આ મહાન હસ્તીઓ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ મૌન શ્રદ્ધાંજલિ દરમિયાન શહેરના વિવિધ કોર્પોરેટરો અને અધિકારી હાજર રહ્યા. તેઓએ દેશ અને સમાજ પ્રત્યે આ દિગ્ગજોએ આપેલા યોગદાનને યાદ કરતાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
