વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ સ્થાનિક પોલીસને સાથે રાખી માથાના દુખાવા સમાન મદન ઝાંપા રોડ પર સાયકલ બજારના દબાણો દૂર કરી પથ્થર ગેટ સુધી ના દબાણો સામે કાર્યવાહી કરતા દબાણકારોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસે સાયકલ બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી વોર્ડ નંબર 13 ના મદન ઝાંપા રોડ સહિતના ન્યાયમંદિર ન્યુ રોડ પરના દબાણો દૂર કરવા વોર્ડ નંબર 5 ના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર દબાણ શાખા તથા નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચ્યા હતા.
દર વખતની જેમ દબાણ શાખાની ટીમ આવે તે પહેલા જ દબાણો દૂર થઈ ગયા હતા. દબાણ અધિકારીએ તેમ છતાં ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. દબાણ શાખાએ રજવાડી ચાનું કાઉન્ટર કાઢીને લઈ જતા મામલો એક ક્ષણે ગરમાયો હતો.
આમ આજની કામગીરીમાં દબાણ શાખા સવાલોના ઘેરામાં હોય તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા હતા.

છેલ્લા કેટલા દિવસથી દબાણ શાખા અવારનવાર આ વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે અચાનક આવતી હોય છે. તેમ છતાં લોકો પોતાની જીદ ન છોડતા દબાણ કરી દેતા હોય છે. જેને લઈને દબાણ શાખા કુલ એક્શન મોડમાં આવી દબાણ દૂર કરી દંડની કાર્યવાહી પણ કરે છે. પણ તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ લેતા નથી જેથી કરીને દબાણ શાખા કડક પગલાં લેવા મજબૂર થાય છે.
આ સમગ્ર દબાણની કામગીરી અંગે દબાણ શાખાના અધિકારી તુલસી સોલંકીએ જણાવ્યું હતું કે અનેકવાર સાયકલ બજારમાં દબાણ કરનારાને જણાવ્યું હતું કે દબાણના કારણે રોડ સાંકડા થઈ જાય છે, પબ્લિકની અવરજવર માટે ફૂટપાટ ઉપયોગ લેવાતો નથી. દબાણના કારણે રોડ નાના થઈ જવાથી અકસ્માતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, તે માટે તમે તમારી સાયકલો અને બીજા દબાણ રોડ પર ન કરો તેમ છતાં દબાણ કરતાં વાત ન માનતા અમારે વારે ઘડીએ તેઓનો સામાન જપ્ત કરી દંડ કરવો પડે છે. તેમ છતાં તેઓ ના માનતા અઠવાડિયામાં ચાર પાંચ વખત અમે દબાણ દૂર કરવા માટે વિસ્તારમાં આવતા રહીએ છીએ.
