
તાજેતરમાં રજૂ થયેલા બજેટ અને નવા વર્ષની ડાયરીઓ કાઉન્સિલરના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે આજે ઉત્તર ઝોનમાં ડાયરી વિતરણ માટે વડોદરા કોર્પોરેશનથી મ્યુનિસિપલ સેક્રેટરીની કાર મંગાવવામાં આવી હતી. જ્યાં કારમાંથી ડીઝલ ટપકતા નજરે પડ્યું હતું. અને ત્યારબાદ કારનું સ્ટેરીંગ લોક થઈ ગયું હતું.
વડોદરા મહાનગરપાલિકાના વિહિકલ પુલ માંથી ઘણા વાહનોનો ઉપયોગ પાલિકા દ્વારા શહેરભરમાં વિવિધ કાર્યો માટે કરવામાં આવે છે . આ ગાડીને પહેલી નજર જોતા તેનો ઉપયોગ કરવા માટે અનફિટ હોવાનો અંદાજ લગાડવો સહેલો છે. પરંતુ પાલિકા દ્વારા આ વાહનોને ફિટનેસ રિન્યુ કરાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા છે.
આ દ્રશ્યો જોઈને સીમિત સંસાધનો વચ્ચે શહેરભરમાં કામ કરતી પાલિકાની ટીમને સલામ કરવાનું મન થાય. તો બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા વાહનો અંગે યોગ્ય નિર્ણય લેવા માટે દાખવવામાં આવતી ઉદાસીનતા સામે રોષ જાગે તેવું છે. વડોદરા પાલિકા કહેવા માટે તો સ્માર્ટ છે પરંતુ તે સ્માર્ટ નિર્ણયો લેવામાં મોડું કરી દીધું હોય છે આ વાતની સાબિતી આપે છે કે આરટીઓ ફિટનેસ પાસિંગની કાર્યવાહી કેવી રીતે કરે છે એ મોટો પ્રશ્ન છે અને જો ભારે ટ્રાફિકમાં ભંગાર વાહનો ચાલતા હોય તો અકસ્માત સર્જવાની શક્યતા ઊભી થઈ શકે છે.
ઉત્તર ઝોન માટે મંગાવાયેલી ગાડી પણ ભંગાર
ઉત્તર ઝોન માટે જે ગાડી મંગાવી હતી એ ગાડી પણ ભંગાર હાલતમાં હતી. જેના કારણે બીજી ગાડી બોલાવવામાં આવી. ઘણી ગાડીઓ માંથી ઓઇલ ટપકી રહ્યા છે. જે ટ્રાફિક જામ થાય ત્યાં સમસ્યા સર્જે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ઓઇલ ટપકે ત્યાં કોઈ બ્રેક મારે તો પાછળની ગાડી સ્લીપ થઈ શકે એમ છે. મહાનગરપાલિકાના સેક્રેટરીની ગાડી જે છે તે પણ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. સારા અધિકારી જ્યારે સારા કામ કરતા હોય તેઓને સારી વ્યવસ્થા અને સારી ગાડી આપવી જોઈએ.