નંબર પ્લેટ વગરનું મોતનું ડમ્પર વોર્ડ ૧૦ સુધી કોની રહેમનજર હેઠળ પહોંચ્યું, રોડ કામમાં વપરાતું વાહન અધવચ્ચે ફસાયું
કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ ? અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો પર્દાફાશ



(પ્રતિનિધિ), વડોદરા. તા.18
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે કોર્પોરેશનના ભ્રષ્ટાચાર અને નિષ્કાળજીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. વોર્ડ નંબર ૧૦ માં ચાલી રહેલા રોડના કામમાં એક ડમ્પર અચાનક રોડ બેસી જવાથી ખાડામાં ફસાયું હતું. જોકે, આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, આ ડમ્પર પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહોતી. સવાલ એ થાય છે કે, ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના નાક નીચેથી નંબર પ્લેટ વગરનું આટલું મોટું ભારેખમ ડમ્પર છેક વોર્ડ ૧૦ સુધી પહોંચ્યું કેવી રીતે ? શું તંત્રને આ દેખાયું નહીં, કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવ્યા ? વોર્ડ નંબર ૧૦ માં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં આ ડમ્પર પસાર થઈ રહ્યું હતું. અચાનક નબળા કામને કારણે રોડ બેસી ગયો અને ડમ્પર તેમાં ફસાઈ ગયું. ઘટના સ્થળે હાજર લોકોમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે ત્યાં ન તો કોર્પોરેશનના કોઈ જવાબદાર અધિકારી હાજર હતા કે ન તો કોન્ટ્રાક્ટર. જો આ ડમ્પર કોઈ રાહદારી પર પડ્યું હોત, તો તેની જવાબદારી કોની ? શું કોન્ટ્રાક્ટરને નિયમોનું પાલન કરવાની કોઈ જરૂર નથી ? નંબર પ્લેટ વગરના વાહનો શહેરમાં ફરે છે, તો આર.ટી.ઓ (RTO) અને પોલીસ ક્યાં છે ? વડોદરા કોર્પોરેશનમાં ચાલતા લોલમલોલ વહીવટને કારણે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી અને અધિકારીઓના મૌન હવે જનતા માટે જોખમી બની રહ્યું છે. શું તંત્ર આ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેશે કે પછી કાગળ પર તપાસ કરીને મામલો થાળે પાડી દેવાશે ?