Vadodara

વડોદરા મહાનગરપાલિકાના વર્ગ-4 કર્મચારીઓને 30 દિવસના વેતન જેટલું બોનસ મળશે

રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે એડહોક બોનસ જાહેર કર્યો
વર્ગ-4ના કર્મચારીઓને રૂ.7000 સુધીનો એડહોક બોનસ મળશે

વડોદરા: રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા વર્ષ 2024-25ના હિસાબી વર્ષ માટે વર્ગ-4ના કર્મચારીઓને 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોનસની રકમની વધુમાં વધુ મર્યાદા રૂ. 7000/- રહેશે. આ હુકમ મુજબ વડોદરા મહાનગરપાલિકાના કાયમી વર્ગ-4ના કર્મચારીઓને કેટલીક શરતો હેઠળ બોનસનો લાભ મળશે. બોનસનો લાભ ફક્ત તે કર્મચારીઓને મળશે જે તા. 31 માર્ચ 2025ના રોજ નોકરીમાં ચાલુ હોય અને વર્ષ 2024-25 દરમિયાન ઓછામાં ઓછા છ મહિનાની સળંગ નોકરી કરી હોય. પાત્રતાનો સમયગાળો મહિનાઓની સંખ્યા મુજબ ગણવામાં આવશે. બોનસની રકમ નક્કી કરતી વખતે 31 માર્ચ 2025ના રોજ મળતા પગારના આધારે ગણતરી કરવામાં આવશે. સરેરાશ પગાર અથવા રૂ. 7000ની મર્યાદામાંથી જે ઓછું હોય તે મુજબ ગણતરી થશે. એક દિવસની બોનસની ગણતરી માટે એક વર્ષના મળતરને 30.4થી ભાગવામાં આવશે અને પછી 30 દિવસનો ગુણાકાર કરીને રકમ નક્કી થશે. ઉદાહરણરૂપે જો પગાર રૂ. 7000થી વધુ હોય તો 30 દિવસનું બોનસ રૂ. 6908 ગણાશે. બધી ચુકવણી નજીકના આખા રૂપિયામાં થશે. જો કોઈ બાબત આ હુકમોમાં ઉલ્લેખિત ન હોય તો તા. 20/08/1989ના ઠરાવ અનુસાર કાર્યવાહી થશે.

આ હુકમ મુજબ બોનસના પત્રકો આઇ.ટી. વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવશે. પગારધારક કર્મચારીઓના બોનસના પત્રકો તા. 10 ઓક્ટોબર 2025ના રોજ બપોર બાદ આઇ.ટી. વિભાગમાંથી મેળવી, જરૂરી શેરા કરીને તા. 11 ઓક્ટોબર 2025ના રોજ ઓડિટ વિભાગમાં ચકાસણી માટે રજુ કરવાના રહેશે. બાદમાં તા. 15 ઓક્ટોબર 2025ના રોજ હિસાબી શાખામાં ઓડિટ થયેલા પત્રકો ચુકવણી માટે રજૂ કરવાના રહેશે. સમયસર મંજુર ન થયેલા પત્રકોની ચુકવણી થઇ શકશે નહીં, તેની જવાબદારી સંબંધિત ખાતા અધિકારી અથવા શાખા અધિકારીની રહેશે.

Most Popular

To Top