Vadodara

વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની વહાલા દવલાની નીતિ, બે-ત્રણ લારીઓ પર કાર્યવાહી જ્યારે બીજાને છૂટ

ફૂટપાથથી અંદર ઉભી રહેતી અને રેગ્યુલર પાવતીની ફી ભરતા ત્રણેક લારીઓ પર જ કાર્યવાહી? નજીકમાં ગેરકાયદેસર રીતે અન્ય લારીઓ તંબુ પર મીઠી નજર

સ્થાનિક રાજકારણીના સગાની લારીઓ મૂકવાની ગોઠવણમાં જરુરિયાતમંદ પરિવારની રોજગારી છીનવી લેવાનો કારસો કોના ઇશારે?*

શહેરના વહિવટી વોર્ડ નં 10મા અર્થ આર્ટિકા ચારરસ્તા નજીક વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની વહાલા દવલાની નીતિ દેખાઈ આવી હતી. અહી બે ત્રણ લારીઓ પર કાર્યવાહી થઇ હતી જ્યારે નજીકમાં આવેલી અન્ય લારીઓ અને ગેરકાયદે તંબુને હાથ પણ અડાડ્યો નહોતો.

વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા વહિવટી વોર્ડ નં.10મા વહાલાદવલાની નીતિ અપનાવતુ હોવા મુદ્દે પાલિકાના અધિકારીઓ અને કર્મીઓ સાથે વેપારીનો વિરોધ બહાર આવ્યો હતો. શહેરના વહિવટી વોર્ડ નં.10મા વાસણા ભાયલી રોડ ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર નજીકના અર્થ આર્ટિકા ચારરસ્તા પાસે ખૂણામાં આવેલી જગ્યામાં વર્ષોથી શાકભાજીની લારીઓ ચલાવતા વેપારી અને તેમનો પરિવાર કાયદેસર ફી આપીને પાવતી મેળવી અહીં શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કારમી મોંઘવારીમાં શાકભાજીનૈ ધંધો કરી ગુજરાન ચલાવતા આ વેપારી તથા તેની બાજુમાં બે અન્ય લારીઓ તથા અંદર ખૂણામાં મૂકેલ ટેબલના સામાન ને પાલિકાની દબાણ શાખા દ્વારા ઉઠાવી લેવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે અહીં પંચમુખી હનુમાનજી મંદિરથી અર્થ આર્ટિકા સર્કલથી નિલામ્બર સર્કલ તરફ બંને બાજુએ અનેક ગેરકાયદેસર લારીઓ તથા તંબુ બાંધી અન્ય વેપારીઓ ધંધો કરી રહ્યા છે. જેમાં કેટલાક ઇંડાની લારીઓવાળા ઇંડા ડુંગળી વિગેરેનો કચરો પણ ફેંકતા હોવા છતાં અન્ય લારીઓ સામે વહિવટી વોર્ડ નં 10ના અધિકારીઓ મહેરબાન છે. પરંતુ નિયમિત ફી ભરી ફૂટપાથથી અંદર ઉભા રહી ધંધો કરતા વેપારી જેઓ કાયદેસરની થતી ફી ઉપરાંત ભરણ આપતા ન હોવાથી તે જ વેપારી સામે કાર્યવાહી કરતાં આજે વેપારીએ પાલિકાની આ નીતિનો વિરોધ કર્યો હતો. વેપારીના આક્ષેપ મુજબ અહીં સ્થાનિક રાજકીય વ્યક્તિના સગાની લારીઓ મૂકવા માટે આ ગોઠવણ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા પાસે કોઈ નક્કર સ્ટ્રીટ વેન્ડર પોલીસી નથી . શહેરના લારી પથારાવાળા વેપારીઓ પાસે ફી ઉઘરાવે છે પરંતુ તેઓને યોગ્ય જગ્યા ફાળવણી માટે યોગ્ય સ્થળ પાલિકા પાસે નથી.સ્માર્ટ સિટી નું સ્માર્ટ પાલિકા બજેટમાં પણ નાના વેપારીઓ માટે જગ્યા ફાળવવા જોગવાઈ કરતું નથી જ્યારે બીજી તરફ પાલિકાના કેટલાય પ્લોટો, જમીન પર માલેતુજારો તથા અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો કરેલા છે. કારમી મોંઘવારીમાં ગરીબ લારી ગલ્લા ધારકો જાય તો ક્યાં જાય? તંત્ર ધંધો કરવા દેતું નથી અને જગ્યા પણ ફાળવતુ નથી ઉપરથી રોજગાર છીનવી લે છે ઘણીવાર રાજકીય અને વગદાર લોકોના ઇશારે કામ કરતું તંત્ર વહાલા દવાલાની નીતિ છોડીને તટસ્થ કાર્યવાહી ક્યારે કરશે?

Most Popular

To Top