દરેક વિભાગને ખર્ચ અને આવકના આંકડા મોકલવાની સૂચના અપાઈ, 17થી 25 નવેમ્બર દરમિયાન બજેટ ચર્ચા યોજાશે
વડોદરા મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગે વર્ષ 2025-26ના રીવાઇઝડ બજેટ અને વર્ષ 2026-27ના ડ્રાફ્ટ અંદાજપત્ર માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તેના માટે પાલિકા દ્વારા તમામ વિભાગ વડાઓને પરિપત્ર જાહેર કરી ખર્ચ અને આવકના આંકડાની વિગત મોકલવા સૂચના આપી છે. બજેટની ચર્ચા 17 નવેમ્બરથી 25 નવેમ્બર 2025 દરમિયાન ચીફ એકાઉન્ટન્ટની કચેરીમાં યોજાશે. દરેક વિભાગના ખાતાધિકારીઓએ ચર્ચાના દિવસે ત્રણ નકલો સાથે બજેટની વિગતો લાવવાની રહેશે. એકાઉન્ટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2025-26ના રીવાઇઝડ બજેટમાં ખર્ચની હકીકત ફોર્મ ‘એ’માં દર્શાવવાની રહેશે. તેમાં વર્ષ 2025-26નો મંજૂર થયેલ અંદાજ, એપ્રિલથી ઓક્ટોબર સુધીનો ખરેખર ખર્ચ, રવાના કરાયેલ રકમ, નવેમ્બરથી માર્ચ સુધીનો સંભવિત ખર્ચ અને વર્ષ 2026-27 માટેનો અંદાજ દર્શાવવાનો રહેશે. નિભાવણી, લાઇટ બિલ અને સ્ટોર દ્વારા થયેલ ખરીદી અલગ અલગ રીતે દર્શાવવાની રહેશે.
રીવાઇઝડ બજેટમાં મંજૂર રકમ કરતાં વધારે જોગવાઇ માંગવામાં આવી હોય તો તેનું કારણ ફરજિયાત રીતે શેરાના કોલમમાં દર્શાવવાનું રહેશે. જો વધઘટના કારણો ન દર્શાવાયા હોય તો તેવા બજેટ કોડમાં વધારાની જોગવાઇ નહીં કરવામાં આવે. તસલમાત સાથે થયેલા ખર્ચની વિગતો પણ રીમાર્ક્સના કોલમમાં લખવાની રહેશે. પાલિકાએ વધુમાં જણાવ્યું છે કે ચીફ એકાઉન્ટન્ટની અભિપ્રાય માટે જે ફાઇલોમાં રીવાઇઝડ બજેટમાં જોગવાઇ કરવામાં આવશે એવો શેરો નોંધાયો હોય, તે ફાઇલોની જરૂરી જોગવાઇ સંબંધિત અધિકારીએ સમયસર કરવી જરૂરી છે, નહિતર તેની જવાબદારી જે તે અધિકારીની રહેશે.
એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ઇમરજન્સી કામ તરીકે કરાવાયેલા એવા કામોની અલગ યાદી બનાવી મોકલવાની રહેશે. સમયસર માહિતી ન મોકલાય તો રીવાઇઝડ બજેટમાં જોગવાઇ નહીં થઈ શકે અને તેની જવાબદારી પણ ખાતાધિકારીની રહેશે. આવકના ભાગરૂપે ફોર્મ ‘બી’માં 2025-26ના રીવાઇઝડ અને 2026-27ના ડ્રાફ્ટ બજેટની માહિતી માંગવામાં આવી છે. દરેક શાખાએ પોતાની આવકની વિગત આપવાની રહેશે. જેમાં મિલકત કર, પાણી ચાર્જ, ફાયર ટેક્સ, સફાઈ ચાર્જ, પરમીટ ફી, ઇમારત ભાડા અને અન્ય ચાર્જની વિગત સાથે પાછલા, ચાલુ અને સંભવિત જમા આંકડા આપવાના રહેશે. દરેક શાખાએ હાલ લેવામાં આવતી લાગતોના ધોરણો, ઠરાવ નંબર તથા તારીખ સાથે વિગત મોકલવાની રહેશે. જો નવી લાગત દાખલ કરવાનું કે સુધારાનું સૂચન હોય તો તેના પૂરતા કારણો સાથે સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે. એકાઉન્ટ વિભાગે તમામ વિભાગોને કમિશનરની સ્પીચ અને પ્રેઝન્ટેશન માટે માહિતી તૈયાર રાખવાની સૂચના આપી છે. તેમાં ચાલુ વર્ષમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો, આયોજન હેઠળના કામો તથા નવી યોજનાઓની ટૂંકી વિગત અને રકમ દર્શાવી અડધા પાનામાં સ્પીચ તૈયાર કરવાની રહેશે.
તદુપરાંત વર્ષ 2026-27ના બજેટ માટે વિકાસના નવા કામોની યાદી તૈયાર કરવા દરેક વિભાગને સૂચના આપવામાં આવી છે. યાદીમાં જનરલ પ્રકારના કામો દર્શાવવા નહીં, પરંતુ વિસ્તારવાર ચોક્કસ કામો દર્શાવવાના રહેશે. જે કામો લોકહિતના અને જરૂરી હોય તેને જ પ્રાધાન્ય આપવાનું રહેશે. દરેક અધિકારીને સમયસર તમામ માહિતી અને ફોર્મ તૈયાર રાખવા તથા બજેટ ચર્ચામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ચર્ચાની તારીખો અને વિભાગો મુજબ સમયપત્રક:
ચીફ એકાઉન્ટન્ટની કચેરીમાં બજેટ ચર્ચા 17થી 25 નવેમ્બર વચ્ચે અલગ અલગ વિભાગો માટે યોજાશે.
17 નવેમ્બર સવારે: કા.ઇ. દક્ષિણ ઝોન, આસી. કમિશ્નર દક્ષિણ ઝોન, વસ્તી ગણતરી
17 નવેમ્બર બપોરે: ડ્રેનેજ, પબ્લિક હેલ્થ લેબ, એન્જિનિયરિંગ, વરસાદી ગટર
18 થી 21 નવેમ્બર: આરોગ્ય, ખોરાક, પાણી પુરવઠા, રસ્તા, અગ્નિશામક, પાર્ક્સ, મિકેનિકલ, સોલીડ વેસ્ટ, જનસંપર્ક વગેરે વિભાગો
23 થી 25 નવેમ્બર: ટાઉન ડેવલપમેન્ટ, સામાન્ય વહીવટ, આઇ.ટી., આકારણી, લીગલ, હાઉસિંગ, AMRUT, SBM, 15th FC વગેરે