મગરે સોસાયટી તરફ એન્ટ્રી માર્યા બાદ રહીશોને જોતા યુ ટર્ન માર્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરામાં મધરાત્રીએ શહેરના કાસમઆલા કબ્રસ્તાન નજીક બ્રિજ પરથી 11.5 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ મગર રહેણાંક વિસ્તારમાં સોસાયટી તરફ જઇ રહ્યો હતો. મગરે સ્થાનિકોને જોતા તે પરત ફરી બ્રિજના ફૂટપાથ પર અડિંગો જમાવી દીધો હતો. દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરીને સહીસલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં પૂરના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મગરો આવી જતા હોવાના અનેક બનાવો બન્યા હતા જો કે એ સમય દરમિયાન નાનાથી માંડીને આશરે 10 ફૂટ સુધીના મગરો રેસ્ક્યુ કરાયા હોવાના બનાવ બન્યા હતા. જોકે હાલ પૂર નથી છતાં પણ શહેરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં મગર આવી જવા હોવાના બનાવ સામે આવી રહ્યા છે. તેવામાં વડોદરા શહેરમાં અત્યાર સુધીના સૌથી મોટા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જીવદયા પ્રેમી હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે ઘણો મોટો મગર છે.

આશરે અગિયારથી સાડા અગિયાર ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું છે. આ મગર કાસમઆલા બ્રિજ હાથી ખાના રોડ ઉપર બ્રિજ આવેલો છે. તેની ઉપર મહાકાય મગર હતો. એની જાણ અમને પોલીસ કંટ્રોલરૂમ અને ફાયર બ્રિગેડ દ્વારા અને અહીંના લોકલ લોકો દ્વારા કરવામાં આવી હતી. જેથી અમારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી હતી. જોયું તો ખૂબ જ મોટો મગર હતો. તેનું રેસ્ક્યુ કરી અને વન વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. આ મગર રોડ ઉપરથી નીકળી અને સોસાયટી તરફ જઈ રહ્યો હતો. ત્યાંથી સ્થાનિક લોકો જે છે એ લોકોને જોતા એ મગર પાછો પરત ફર્યો અને રોડ ઉપર આવીને બેસી ગયો હતો ટ્રકની પાછળ બ્રિજનો ફૂટપાથ એરિયા હતો તેની પર આ મગર બેસી રહ્યો હતો. આશરે દોઢથી બે કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરીને મગરને વનવિભાગને સોંપવામાં આવ્યો છે.
