રાજમહેલ રોડ પર આવેલા મરી માતાના ખાચામાં એપલ કંપનીના મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવતું હતું. કંપની દ્વારા ચાર દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. જેમાં 15 થી 20 લાખ ઉપરાંત નો ડુપ્લીકેટ માલ કબજે કરી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલા મરી માતાના ખાંચામાં મોટી માત્રામાં મોબાઈલ તથા મોબાઈલની એસેસરીઝનું વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર ખ્યાતનામ કંપનીના ડુપ્લીકેટ માલનું અહીંયા વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતું રહેતું હોય છે. જેથી કંપની દ્વારા મરી માતાના ખાંચામાં અવારનવાર રેડ કરીને ડુપ્લીકેટમાં માલ પકડવામાં આવે છે. આજે 10 જાન્યુઆરીના રોજ એપલ કંપનીના માણસોને બાતમી મળી હતી કે તેમની વસ્તુઓના ડુપ્લીકેટ મારકાવાળો માલ મરી માતાના ખાંચામાં વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. જેના આધારે કંપની દ્વારા મરીમાતાના ખાંચામાં રેડ કરવામાં આવી હતી અને ચાર દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનો ઘણો બધો સામાન મળી આવ્યો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કંપની દ્વારા 15 થી 20 લાખનો ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝ સહિતનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો હતો. કંપની દ્વારા ડુપ્લીકેટ માલનું વેચાણ કરતા વેપારીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
