મુખ્યમંત્રી કાર્યાલયની સૂચના છતાં મનપાની નિષ્ક્રિયતા યથાવત
પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને એક વર્ષથી નિમણૂકપત્ર આપવામાં આવ્યો નથી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી જુનિયર ક્લાર્ક (વર્ગ-03) ની ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા પરંતુ પ્રતિક્ષાયાદીમાં સ્થાન પામેલા ઉમેદવારોને આજદિન સુધી નિમણૂકપત્ર આપવામાં આવ્યો નથી. આશરે એક વર્ષથી વધુ સમય વિતી ગયાના બાદ પણ આ ઉમેદવારો ન્યાય માટે આજે પણ આશા રાખી બેઠાં છે.
ઉમેદવારોના આક્ષેપ મુજબ, તા. 14/02/2022 ના રોજ મનપા દ્વારા જાહેરાત ક્રમાંક 996/21-22 અંતર્ગત 552 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગૌણ સેવા પસંદગી મંડળે તા. 08/10/2023 ના રોજ લેખિત પરીક્ષા યોજી હતી. ત્યારપછી પસંદગી યાદી તા. 13/02/2024ના રોજ અને પ્રતિક્ષાયાદી 31/01/2025ના રોજ જાહેર કરવામાં આવી હતી. જાહેરાત મુજબ, પસંદગી પામેલા કેટલાક ઉમેદવારો (આશરે 80 જેટલા) ભરતી પ્રક્રિયામાં હાજર રહ્યા ન હતા. છતાં પ્રતિક્ષાયાદીમાંથી ખાલી જગ્યાઓ ભરવા અંગે અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી અવગણના સામે ઉમેદવારો દ્વારા તા. 14/10/2024ના રોજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.
જેથી મુખ્યમંત્રી કાર્યાલયે પત્ર ક્રમાંક LF 2024/21121, તા. 12/11/2024 ના રોજ વડોદરા મહાનગરપાલિકાને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના પાઠવી હતી. છતાં છ મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં મનપાએ સૂચનાની અમલવારીમાં નિષ્ફળતા દર્શાવી છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા સામાન્ય નાગરિકોના અધિકારો અને બંધારણના અનુચ્છેદ-16, જે જાહેર રોજગારમાં સમાન તકોની ખાતરી આપે છે, તેનું ઉલ્લંઘન છે. તેઓને લાગે છે કે પ્રજાસત્તાક તંત્રમાં ન્યાયની આશા રાખવી હવે એક લાંબી રાહ બની ગઈ છે.
