કોર્પોરેશનના ડેફોર્ડેબલ હાઉસિંગ વિભાગની તપાસમાં કલ્યાણ નગરના આવાસમાં મકાન માલિકની જગ્યાએ ભાડુઆત રહેતા હોવાનો ખુલાસો
વડોદરા, તા.
શહેરના કલ્યાણનગર ખાતે કોર્પોરેશનને રાજીવ ગાંધી આવાસ યોજનાના નામે 580 આવાસો બનાવ્યા બાદ અહીં મકાનોની ફાળવણી કરી હતી. જ્યાં મૂળ માલિકની જગ્યાએ ભાડુઆત રહેતા હોવા અંગે પાલિકાના એફર્ડેબલ વિભાગ દ્વારા આજે તપાસણી કરતા કેટલાક ભાડુઆત મળી આવતા મકાન માલિકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારી યોજના અંતર્ગત કોર્પોરેશન ઝુપડપટ્ટી ખાલી કરી તે જગ્યાએ આવાસ બનાવી આપવાની યોજના હાલ ચાલી રહી છે. જે અંતર્ગત કમાટીબાગ પાસે આવેલ કલ્યાણ નગર ઝૂંપડપટ્ટી દૂર કરી અહીં 580 મકાનો તૈયાર કરી રાજીવ ગાંધી આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. જે તે સમયે અહીં લઘુમતી લોકોની વ્યક્તિઓને જ મકાનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો થઈ હતી . રાજીવ ગાંધી આવાસ યોજનામાં કેટલાક મકાન માલિકોએ પોતે રહેવાને બદલે અન્ય વ્યક્તિઓને મકાન ભાડે આપી કાયદાનો ભંગ કર્યો છે. પાલિકાના તંત્રને મળેલી ફરિયાદના આધારે આજે કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની ટીમે અહીં ચેકિંગ શરૂ કર્યું હતું. ચાર બ્લોકના અંદાજે 100 જેટલા મકાન તપાસાતા અહીં કેટલાક મકાન માલિકોના બદલે ભાડુઆતો રહેતા હોવાની બાબતને સમર્થન મળ્યું હતું. સમગ્ર બાબત સપાટી પર આવતા તંત્રએ મકાન માલિકને નોટિસ બજાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
સ્થાનિક પોલીસ મથકે ભાડા કરાર અંગેની કાર્યવાહી કરાઇ હતી?
કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ પોતાનું મકાન અન્ય વ્યક્તિને ભાડે આપે તો ભાડા કરારની પ્રક્રિયા સાથે જે તે સ્થાનિક પોલીસ મથકને પણ જાણ કરવાની રહે છે. ત્યારે સરકારી આવાસમાં મકાન ભાડે આપવા મામલે ભાડા કરારની કાર્યવાહી થઈ છે કે નહીં? તે એક તપાસનો વિષય બન્યો છે. સાથે જો ભાડા કરાર અંગે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી હોય તો મકાન માલિક તથા ભાડુઆત બંને વિરુદ્ધ પણ પોલીસ કમિશનના જાહેરનામાના ભંગનો કેસ થશે કે કેમ તે તપાસ માગી લે તેવો વિષય છે.
વડોદરા મનપાના આવાસોમાં ભાડુઆત મળી આવતા મકાન માલિકો સામે લેવાશે પગલાં
By
Posted on