ફક્ત કેશ પેમેન્ટથી ચાલતા વડોદરા બસ ટર્મિનલ પર મુસાફરોને મુશ્કેલી
મુસાફરો પાસે છૂટા પૈસા ન હોય તો કાઉન્ટર પર કર્મચારીઓ સાથે તકરાર સર્જાય
વડોદરાનું મધ્યસ્થ બસ ટર્મિનલ રાજ્યના સૌથી મોટા અને આધુનિક બસ ટર્મિનલોમાં ગણાય છે. પરંતુ અહીં આજ સુધી ઑનલાઇન પેમેન્ટ જેવી મૂળભૂત સુવિધા શરૂ કરવામાં આવી નથી. જેના કારણે મુસાફરોને ખાસ કરીને તહેવારો અને રજાઓના સમય દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માહિતી મુજબ, બસ ટર્મિનલ પર વોલ્વો બસની ટિકિટ હોય કે પછી સામાન્ય બસની ટિકિટ, બંને માટે રોકડ રકમ ચૂકવવી પડે છે. ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ ન હોવાથી મુસાફરોને રોકડ પૈસા રાખવા ફરજિયાત બને છે. ઘણી વખત મુસાફરો પાસે છૂટા પૈસા ન હોય તો કાઉન્ટર પર કર્મચારીઓ સાથે તકરાર સર્જાય છે. આવી પરિસ્થિતિમાં સમય બગડે છે અને કતારમાં ઊભેલા અન્ય મુસાફરોને પણ મુશ્કેલી થાય છે. તાજેતરમાં તહેવારોની સિઝનમાં આ સમસ્યા વધુ ગંભીર બની હતી. મુસાફરોની સંખ્યા વધવાથી ટિકિટ કાઉન્ટર પર લાંબી કતારો લાગી હતી. છૂટા પૈસા આપવા-લેવાની પ્રક્રિયામાં વિલંબ થતા કેટલાક મુસાફરો બસ ચૂકી ગયા હોવાના બનાવો પણ બન્યા છે.
ડિજિટલ પેમેન્ટ આજના સમયમાં સામાન્ય બની ચૂક્યું છે. દેશના મોટા ભાગના બસ ટર્મિનલ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર ઑનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ વડોદરા જેવા મોટા શહેરના મધ્યસ્થ બસ ટર્મિનલ પર હજુ પણ આ સુવિધાનો અભાવ છે. મુસાફરોનો આક્ષેપ છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં જવાબદાર વિભાગો દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. મુસાફરોનું કહેવું છે કે ઑનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ થવાથી રોકડા રાખવાની મુશ્કેલી દૂર થશે, છૂટા પૈસા લેતા-આપતા થતા વિવાદ ઓછા થશે અને ટિકિટ મેળવવાની પ્રક્રિયા ઝડપી બનશે. સાથે સાથે, મુસાફરોને આધુનિક સુવિધાઓનો અનુભવ પણ મળશે.
ઓનલાઇન પેમેન્ટની કોઈ સૂચના નથી – ડેપો મેનેજર
અમારા બસ ટર્મિનલ પર ઑનલાઇન પેમેન્ટ કરવા માટેની કોઈ સુવિધા નથી. ફક્ત કેશથી જ પેમેન્ટ કરી શકાય છે. અમને ઑનલાઇન પેમેન્ટની શરૂ કરવાની કોઈ સૂચના નથી. – એમ કે ડામોર, ડેપો મેનેજર, વડોદરા મધ્યસ્થ બસ ટર્મિનલ