Vadodara

વડોદરા મધ્યસ્થ જેલમાં કેદી પર જીવલેણ હુમલો

પેટમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે કેદીને એસએસજીમાં ખસેડાયો

અગાઉ થયેલા ઝઘડાની અદાવતે જેલમાં કેદીઓ ફરી બાખડયા

વડોદરા, તા. 25
વડોદરા મધ્યસ્થ જેલમાં એક કેદી પર અન્ય કેદીએ પતરા ની પટ્ટીથી હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કેદીને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસે હુમલાખોર સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના શિવમંદન ગ્યાદીન કેવટ (ઉંમર 54) હાલ જેલના સર્કલ વિભાગ યાર્ડ નં-02, બેરેક નં-03માં સજા ભોગવી રહ્યા છે. તેઓ અગાઉ સુરતના એલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પેરોલ પર મુકાયા હતા, પરંતુ પેરોલ પૂર્ણ થયા બાદ હાજર ન થતા તેમને પોલીસે ઝડપી ફરી જેલમાં મૂકવામાં આવ્યા હતા.
તા. 25 માર્ચના રોજ બપોરે આશરે 3 વાગ્યાના સમયે જેલબંદી ખુલતા તેઓ આઉટસર્કલ વિભાગમાં અરજી આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન વૃંદાવન-01 પાસે અગાઉ સાથે રહેતો ભયલુ દરબાર નામનો કેદી અચાનક આવી પહોંચ્યો હતો. બંને વચ્ચે જૂની અદાવત મુદ્દે થયેલી બોલાચાલીના કારણે ભયલુ દરબારે ઉશ્કેરાઈને પોતાના હાથમાં રહેલી પતરાની પટ્ટીથી તેમના પેટના ડાબા ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલામાં શિવમંદન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓ જમીન પર પડી ગયા હતા. બનાવ બાદ જેલ સ્ટાફે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને બાદમાં વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમના પેટના ભાગે ઓપરેશન કરી સારવાર શરૂ કરી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત કેદીના નિવેદનના આધારે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top