વડોદરા તા.13
વડોદરા શહેરના ખોડીયાર નગર કારેલીબાગ અને હરણી વિસ્તારમાંથી મહિલાઓને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ઝુંટવી લેનાર મધ્યપ્રદેશની ટોળકીના ચાર જણાને ક્રાઈમ બ્રાન્ચે ખોડીયાર નગર કમલાનગર તળાવ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે સોનાની ચેનનો ટુકડો, મંગળસૂત્ર અને બાઈક મળી રૂ 2.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે એક શખ્સ નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસથી ન પકડાય તેના માટે આ ટોળકી બાઈકની નંબર પ્લેટ પર ભીની માટી લગાવીને ફરતી હતી.
વડોદરા છેલ્લા ઘણા દિવસો વિવિધ વિસ્તારોમાં ટુ વ્હીલર તથા ચાલતા જતા વૃદ્ધા તથા મહિલાઓને અછોડાતોડ ટોળકી દ્વારા નિશાન બનાવીને તેમના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસૂત્રની ચીલઝડપ કરીને ફરાર થઈ જતી હોય છે. ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસમા બાઈક પર આવેલી અછોડાતોડ ટોળકીએ ખોડિયારનગર, કારેલીબાગ અને હરણી રોડ વિસ્તારમાં ચાલતા તથા મોપેડ પર જતી મહિલાઓના ગળામાંથી સોનાનીચેન તથા મંગળસૂત્રની ઝૂંટવીને રફુચક્કર થઈ ગઈ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ચેન સ્નેચર ગેંગની સતત શોધખોળ કરી રહી હતી.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અછોડાતોડ ટોળકી બાઈકની નંબર પ્લેટ પર માટી લગાવીને મહિલાને ટાર્ગેટ કરતા હતા. જેના કારણે તેઓની નંબર પ્લેટ પોલીસ તેમને શોધી શકતી ન હતી. માટી લગાડેલી નંબર પ્લેટ વાળી બાઇક ખોડીયાર નગર વિસ્તારમાંથી પસાર થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ખોડીયારનગર વિસ્તારમાં સતત વોચ રાખી રહી હતી. તે દરમિયાન ચાર લોકો તેમની નજીક એક બાઈક રાખી વાતો કરતા શંકાસ્પદ જણાયા હતા. જેથી પોલીસે તેમની પાસે જતા આ ચાર લોકોએ બાઈક ચાલુ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી ક્રાઈમ બ્રાન્ચને તેમના પર શંકા જતા ચારેયને ઝડપી પડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ વિકાસ રમેશ ગંગારામ ગજ્જર, વિનિકેતસિંગ ઉર્ફે અંશ અનીલસિંગ ભદોરીયા સહિત બે સગીર ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી એક સોનાનું મંગલસૂત્ર સોનાની ચેન નો ટુકડો અને બાઈક મળી રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સુજિત ઉર્ફે રાઇડર સંતોષ જૈન નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમની કડકાઇથી પૂછપરછ કરતા ચાર પૈકી ત્રણ જણા 15 દિવસ પહેલા મધ્યપ્રદેશના ભીંડનો સખસ વડોદરામાં રહીને કેટરિંગમાં ડિસ્પ્લે લગાવવાનું કામ કરતો હોય તેની પાસે કામ ધંધા માટે આવ્યા હતા. તેઓએ મધ્યપ્રદેશથી અન્ય બે લોકોને બોલાવ્યા બાદ ખોડીયાર નગર, કારેલીબાગ અને અને હરણી વિસ્તારમાં મહિલાને નિશાન બનાવી સોનાની ચેન અને મંગળસૂત્રની તફડંચી કરી હતી. બે સહિતના ચાર આરોપીઓને બાપોદ કારેલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.