બે મહિના પહેલા પણ આ જ સ્થળે થયું હતું ભંગાણ, સ્થાનિકોમાં જળવિભાગની બેદરકારી સામે રોષ; પાણી પુરવઠો અસ્તવ્યસ્ત
વડોદરા: વડોદરા શહેરમાં જળવિભાગની બેદરકારીના કારણે મચ્છીપીઠ વિસ્તારમાં આજે ફરી એકવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. વિસ્તારમાં ચાલતી કામગીરી દરમિયાન જેસીબી મશીનથી અચાનક પાણીની લાઈન તૂટી જતાં આઠથી દસ ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને જળવિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેકવાર પાણીની લાઈનમાં ભંગાણ થયું છે, પરંતુ જળવિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મહત્વની વાત એ છે કે બે મહિના પહેલાં પણ આજ જગ્યા પર પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. ત્યારે જળવિભાગ દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી ભંગાણ થતાં જળવિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ જળવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભંગાણ કયા કારણોસર થયું તેની તપાસ કરવામાં આવશે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને સમારકામ પૂર્ણ થયા બાદ જ ફરીથી પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ જળવિભાગની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.