કમાટીબાગ કેબલ બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં ત્રણ દિવસથી મગર અસ્વસ્થ હાલતમાં હતો
છેલ્લા ત્રણ મહિનામાં મગરોના મોત છતાં, પીએમ રિપોર્ટ અભરાઈ પર ચડ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.2
વડોદરા નગરી મગરોની નગરી તરીકે પણ ઓળખાય છે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે હાલ આ નદીમાં મગરો સુરક્ષિત નથી એક બાદ એક મગરના મોતની ઘટનાઓ સામે આવી રહી છે, તેવામાં કમાટીબાગ કેબલ બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનો મૃતદેહ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. 400 થી વધુ મગરો વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરે છે. હાલ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાની કામગીરી હાથ ધરી છે. ત્યારે જીવદયા પ્રેમીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે. જેથી કરીને આ નદીમાં વસવાટ કરતા જડતર જીવો ને કોઈ હાનિ ન પહોંચે તેમ છતાં પણ વિશ્વામિત્રી નદીમાં હાલમાં એક પછી એક જળચર જીવોના મોત થઈ રહ્યા છે. અગાઉ પણ મગરોના મોત મામલે અનેક સંસ્થાઓ સામે આવી હતી. વિશ્વામિત્રીમાં ફેલાતું પ્રદૂષણ હોટલો દ્વારા નાખવામાં આવતી ગંદકી સહિતના પ્રશ્ન વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવતા આજે પણ મગરો મરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરા શહેરના પાલિકા હસ્તકના કમાટીબાગ ખાતે કેબલ બ્રિજની નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો મૃતદેહ જોવા મળ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા બે દિવસ ઉપરાંત સમયથી કેબલ બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એક જ જગ્યાએ આ મગર સ્થિર થઈને જોવા મળ્યો છે. જેથી કરીને આ મગર મૃત્યુ પામ્યો હોવાનું જણાય આવ્યું છે. અત્રે નોંધનીય બાબત છે કે આ પહેલા પણ અનેક વખત વિશ્વામિત્રી નદીમાંથી મગરોના મૃતદેહ મળી આવ્યા છે. જે બાદ વન વિભાગ દ્વારા મૃત મગરના મૃતદેહને લઈ જઈને પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આજ દિન સુધી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા પીએમનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી.
