Vadodara

વડોદરા : મકાન વેચવાના બહાને દંપતીએ પેઢી સંચાલક પાસેથી રૂ.11 લાખ પડાવ્યાં

દસ્તાવેજ કરી આપવા બાબતે વારંવાર ફોન કર્યો પરંતુ દંપતીએ બંધ કરી દીધો

અન્ય લોકોને મકાન વેચાણ આપવાનું કહી રૂ.33 લાખ દંપતીએ ખંખેરી લીધા

પ્રતિનિધિ વડોદરા તા.1

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા દંપતીએ તેનું મકાન વેચાણ આપવાના બહાને ફાઇનાન્સ પેઢીના સંચાલક પાસેથી રૂ.11 લાખ પડાવી લીધા હતા. પરંતુ મકાનના દસ્તાવેજ કરી આપતા ન હતા. જેથી તપાસ કરતા ઠગ દંપતીએ આ મકાન અન્ય બે લોકોને પણ વેચાણ કરી આપીને તેમની પાસેથી રૂ.33 લાખ ખંખેરી લીધા હતા. જેથી પેઢીના સંચાલકે છાણી પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 ગોરવા વિસ્તારમાં રિફાઇનરી રોડ પર આવેલી નર્મદાનગરી સોસાયટીમાં રહેતા ગૌરાંગ જયેન્દ્રભાઇ ઠક્કર શ્રીજલા ફાયનાન્સ નામની પેઢી ચલાવે છે. વર્ષ 2018માં તેમની પેઢીએ નીશા તિવારી તથા તેના પતિ મિથલેશ રામસુરેશ તિવારી (રહે, રામાકાકા ડેરી સામે, છાણી વડોદરા) આવ્યા હતા અને જણાવ્યું હતું કે રૂપિયાની ખુબ જ જરૂર છે અને ધંધામાં મંદી છે. જેથી રૂપિયાની મદદ કરો અને રૂપિયાના બદલામાં છાણી વિસ્તારમાં ક્રિષ્ણા એમ્પાયરમાં ચોથા માળે આવેલું તેમની માલિકીનું મકાન તમને વેચાણ આપીશ. મકાનની કિંમત બાબતે ચર્ચા કરતા સુંદર મકાન રૂપિયા 31 લાખમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. બાનાખત પેટે રૂ. 11 લાખ આપી મકાનનો બાનાખત કરી આપવા માટે મકાન માલિકો તૈયાર થયા હતા. જેથી વર્ષ 2020મા સ્ટેમ્પ પર મકાનના નક્કી કરેલી કિંમત પૈકી રૂ.6 લાખ શ્રીજલા ફાયનાન્સના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર તથા રોકડા રૂ. 5 લાખ મળી રૂ. 11 લાખ ચૂકવ્યા હતા. રજીસ્ટર બાનાખત કરી રૂપિયા આપ્યા બાદ બન્ને મકાન માલિકોએ ફોન બંધ કરી દીધો હતો. જેથી તેઓએ મકાન પર જઇને તપાસ કરવા ગયા હતા અને ત્યારે મકાનમાં ભાડુઆત રહેતા હોય તેમને આ મકાનના માલિક કોણ છે તેમ પૂછ્યું હતું ત્યારે મકાન પદમલાવાળા ભરતભાઈ પટેલનુ છે તેમ કહ્યું હતું. જેથી ભરતભાઈના પદમલાના ઘરે ગયા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે દંપતી પાસેથી ખરીદ કરવાનુ છે અને મકાનના રૂ.30 લાખ  પણ આપ્યા છે. તેઓ મકાનનઓ દસ્તાવેજ કરી આપવાના છે.ઉપરાંત વેચાણ આપવાના મકાનના અવેજ પેટે બીજા વ્યક્તિ સાથે પણ બાનાખત કરી રૂપિયા લીધા છે. રજીસ્ટર કચેરી ખાતે મિલ્કત અંગેનો સર્ચ રીપોર્ટ કઢાવતા દંપતીએ હર્ષદભાઈ સગરામભાઈ અલગોતર તથા ભરતભાઈ બેચરભાઈ પટેલને પણ રજીસ્ટર બાનાખત કરી આપી 3 લાખ તથા 30 લાખ પડાવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી છાણી પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top