યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓ આગની લપેટમાં બળીને ખાખ :
પ્લાયવુડ સહિતની વસ્તુઓ હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એસઆરપી ગ્રુપ નવના સ્ટોર રૂમમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્ટોર રૂમમાં રાખેલી ટેન્ટ યુનિફોર્મ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

વડોદરા શહેરના મકરપુરા એસઆરપી ગ્રુપ નવના સ્ટોર રૂમ ખાતે શનિવારે આગ લાગવાની ઘટના બની છે. સ્ટોર રૂમમાં આગ લાગતા જ હાજર સૌ કોઈમાં નાસભાગ મચી ગઈ હતી. સેનાપતિ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. બનાવની જાણ ફાયર એન્ડ સીટી કમાન્ડ કંટ્રોલરૂમમાં કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ વિકરાળ હોય મકરપુરા જીઆઇડીસી ગાજરાવાડી સહિતના ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. આશરે પાંચ જેટલા ફાયર ફાઈટરોના વાહનો સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા હતા.

સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, વડોદરા ફાયર ઇમરજન્સી એન્ડ કમાન્ડ કંટ્રોલરૂમમાં લ એસઆરપી ગ્રુપ 1ની અંદરથી ફાયર કોલ મળતા જીઆઇડીસી ફાયરની ટીમ અને ગાજરવાળીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્ટોરેજ એરીયા છે એ સ્ટોરેજ એરીયા આખો લપેટમાં આવી ગયો હતો. એમાં ગેસ સિલિન્ડર પણ હતા તેવી પ્રાથમિક માહિતી મળી હતી. જેના કારણે જીઆઇડીસીની અલગ અલગ ગાડી બોલાવી ગાજરાવાડીની ટીમ બોલાવી અને કુલિંગ કામગીરી ચાલુ છે. આગ વધુ પડતી હોવાથી વોટર સોર્સીસની વધારે જરૂર હતી. એટલે પહેલેથી જ અમે વધારે ફાયર ટેન્કર મંગાવી લીધા હતા. છ એક ગાડી સ્ટેન્ડ બાય છે. લગભગ 45 મિનિટ જેવો આગ પર કાબુ લેવા માટે સમય લાગ્યો, પ્લાય મટિરિયલ અને બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ, યુનિફોર્મ મટીરીયલ હોવાથી આગ તરત પકડાઈ છે. એટલે હાલ કુલિંગ કામગીરી ચાલુ છે તેમ જણાવ્યું હતું. હાલ તો આ સ્ટોર રૂમમાં એસઆરપી જવાનોના ટેંટ યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. આ તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
